વડોદરાઃ કોરોનાના કપરા કાળમાં હવે 600 જેટલા સરકારી તબીબોએ સરકારનું નાક દબાવવા હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન નિવાસી તબીબો હવે હડતાળ ઉપર ઉતરતા હોસ્પિટલોની તબીબી સેવા ખોરંભે પડી ગઇ હતી. વડોદરાની જમનાબાઇ જનરલ હોસ્પિટલના 22 તબીબો સહિત રાજ્યના 600 તબીબો હડતાળ ઉપર ઉતરી જતાં હોસ્પિટલોની તબીબી સેવાઓ ઉપર અસર પડી હતી. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં તબીબોએ પ્લેકાર્ડ સાથે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જમનાબાઇ જનરલ હોસ્પિટલના 22 સીપીએસ તબીબો હડતાળ પર ઉતરી જતાં તબીબી સેવા ખોરવાઇ ગઇ છે.
સત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં GMERS, ગુજરાત ઇન સર્વિસ તબીબ એસોસિએશન અને નર્સિંગ એસોસિએશન દ્વારા પડતર માગણીઓને લઈને ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. જે આંદોલન ઉગ્ર પડઘા પડતાં સરકારે હકારાત્મક વલણ અપનાવી આંદોલનનું સમાધાન કર્યું હતું. હવે રાજ્યભરમાં કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ સર્જન નિવાસી તબીબો દ્વારા તેઓએ પણ સમાન વેતન તેમજ સ્ટાઇપેન્ડ વધારવાની તથા મેડિકલ ઓફિસરની જગ્યા પર સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવાની માગ કરી રહ્યા છે અને રાજ્યની હોસ્પિટલોમાં ફરજ બજાવતા 600 જેટલા સીપીએસ તબીબો સામૂહિક હડતાલ પર ઉતરી જતા તબીબી સેવા ઉપર અસર વર્તાઇ હતી.
એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં રેસિડેન્સ તબીબોની તાજેતરમાં જ તેઓના સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો કરવામાં આવ્યો છે અને તેઓ પણ રેસિડેન્ટ તબીબોની જેમ જ કોરોનામાં ડ્યુટી બજાવી રહ્યા છે. તેમ છતાં પણ સીપીએસ ડોક્ટરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેઓનો અભ્યાસ પૂરો કર્યા બાદ એક વર્ષ ડ્યુટી કરવાની હોય છે. જેમાં તેઓને તેમના સ્પેશિયલાઇઝેશન મુજબ ફરજ સોંપવાને બદલે પીએસસી તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં ડ્યૂટી સોંપવામાં આવે છે. જેને લઇને ડોક્ટર્સમાં નારાજગી વ્યાપી ગઈ છે.