અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તુટવાની ઘટના હાઈકોર્ટ સુધી પહોંચી છે. દરમિયાન રાજ્યમાં બ્રિજોની પરિસ્થિતિને લઈને સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કર્યું હતું. જેમાં રાજ્યના 63 બ્રિજને સમારકામની જરૂર હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર હોવાની રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
મોરબી પૂલ દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે વિગતો માગી હતી. રાજ્યની વડી અદાલતમાં બ્રિજોની પરિસ્થિતિને લઈને સરકારે રજુ કરેલા એફિડેવિટ અનુસાર રાજ્યમાં 23 બ્રિજની હાલત ખુબ ખરાબ છે, જ્યારે રાજ્યના 63 બ્રિજને સમારકામની જરૂર છે. આ ઉપરાંત 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે. અમદાવાદના 12, સુરતના 13 બ્રિજ, વડોદરાના 4, રાજકોટ 1 અને જૂનાગઢના 7 બ્રિજને સમારકામની જરૂર છે. ગાંધીનગરમાં બનેલા બ્રિજને રિપેરિંગની કોઈ જરૂર ન હોવાનું પણ જણાવ્યું છે. અર્બન ડેવલપમેન્ટ વિભાગ હેઠળ આવતા 63 બ્રિજની મારમતની જરૂર છે. જેમાં 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કોર્પોરેશનની હદમાં છે તેમજ 29 બ્રિજનું મારમત કામ ચાલી રહ્યું છે બીજી તરફ 33 બ્રિજનું કામ થઈ ગયું છે. દરમિયાન શહેરી વિસ્તારમાં પુલ ધરાશાયી થવાની ઘટનામાં જવાબદારી અંગે નીતિ ઘટવાની વિચારણા ચાલી રહી છે. હાઈકોર્ટમાં મોરબી દૂર્ઘટના અંગે થયેલી અરજીમાં સુનાવણી ચાલી રહી છે. આગામી દિવસોમાં આ અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે.
મોરબીમાં દિવાળીના તહેવાર દરમિયાન ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં 135 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. મૃતકોના પરિવારજનો રૂ. 10-10 લાખનું વળતર ચુકવવા તાજેતરમાં જ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.