- કોરોના સામે સરકારની મજબૂત લડાઈ
- 15-18 વર્ષના 70 ટકા બાળકોને મળ્યો પહેલો ડોઝ
- આરોગ્ય મંત્રીએ આપી જાણકારી
અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈનો હવે અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ રહ્યા છે ત્યારે દેશમાં લોકોને વેક્સિન મળી રહી છે તેનો આંક પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 15- 18 વર્ષની ઉંમરના 70 ટકાથી વધુ કિશોરોએ COVID-19 રસીનો તેમનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. કોવિન પોર્ટલ અનુસાર, અત્યાર સુધીમાં આ વય જૂથના કુલ 6 કરોડ 69 લાખ, 85 હજાર 609 કિશોરોને કોવિડ સામે રસી આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ યુવાનોને અપીલ કરી છે કે તેઓ ઝડપથી રસીકરણ કરાવે. અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરોને રસીના 5,20,32,858 પ્રથમ ડોઝ અને 1,47,92,245 કિશોરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કોવિડ-19ની રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે નવા તબક્કાની શરૂઆત ગયા વર્ષે 21 જૂન 2021થી કરવામાં આવી હતી. વધુને વધુ રસીની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે.
દેશમાં 10 જાન્યુઆરીથી આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, 60 વર્ષ અને તેથી વધુ વયના લોકો સહિત કોવિડના પ્રીકોશન ડોઝ લાગુ કરવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા અને લોકોને રસી આપવાની ગતિને ઝડપી બનાવવા સતત પ્રયાસો કરી રહી છે.