Site icon Revoi.in

અમદાવાદમાં 700 જેટલી ખાનગી હોસ્પિટલ પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી, મ્યુનિ. કાર્યવાહી કરશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા કોમર્શિયલ બિલ્ડિંગો અને કેટલીક ખાનગી હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નથી. બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન ન હોવાને કારણે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે તાજેતરમાં 42 હોસ્પિટલને એક સપ્તાહની મુદત આપી હતી. જો કે, શહેરમાં દર્દીઓને દાખલ કરવા સી-ફોર્મ ધરાવતી અંદાજે 2200 ખાનગી હોસ્પિટલમાંથી 700 પાસે બીયુ પરમિશન નહીં હોવાની માહિતી છે. વધુમાં આ હોસ્પિટલોને બીયુ પરમિશન મળી શકે તેમ પણ નથી. મ્યુનિ. હોસ્પિટલો સામે કાર્યવાહી કરે તો આ હોસ્પિટલો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને  બીયુ પરમિશન મુદ્દે હોસ્પિટલોને નોટિસ આપીને સીલિંગ કાર્યવાહી શરૂ કરી હતી. જો કે, હોસ્પિટલ માલિકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પરંતુ સુપ્રીમે તેમને રાહત આપતો રાજ્ય સરકારનો પરિપત્ર જ રદ કરી નાખ્યો હતો. હવે મ્યુનિ. પાસે આ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા સિવાય અન્ય વિકલ્પ રહેતા નથી. આગામી સમયમાં મ્યુનિ. આવી હોસ્પિટલો સામે પગલાં લેવાની શરૂઆત કરે તેમ મનાઈ રહ્યું છે. મ્યુનિના એસ્ટેટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ કેટલાક કારણોને લીધે હોસ્પિટલોને બીયુ પરમિશન મળી શકે તેમ નથી.જેમાં  અનેક હોસ્પિટલ એવી છે જે બંગલા કે મકાનમાં છે. રહેણાંકમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ગેરકાયદે હોવાથી હોસ્પિટલ પણ ગેરકાયદે કહેવાય. આ ઉપરાંત હાઉસિંગ બોર્ડના મકાનોમાં અનેક હોસ્પિટલો ચાલે છે. સરકાર ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી ગેરકાયદે બાંધકામને કાયદેસર કર્યા ત્યારે હાઉસિંગ બોર્ડમાં તેનો અમલ થયો ન હતો. આમ આ હોસ્પિટલોને તેનો લાભ મળ્યો ન હતો. તેમજ કોમર્શિયલ એકમોમાં ચાલતી હોસ્પિટલમાં પણ અનેક પાસે પાર્કિંગની પૂરતી જગ્યા નથી. અન્ય દુકાનોને બદલે મ્યુનિએ. હોસ્પિટલને ટાર્ગેટ કરીને નોટિસો આપી હતી. ખાસ કરીને કોટ વિસ્તારમાં જૂના મકાનોમાં ચાલતી હોસ્પિટલમાં પણ પાર્કિંગ સહિતના મુદ્દે બીયુ પરમિશન મળી શકે તેવી સ્થિતિ નથી. ભૂતકાળમાં બંધાયેલી હોસ્પિટલોમાં બિલ્ડરોએ યોગ્ય માળખાકીય સુવિધા ન આપતા જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન થાય છે જેથી આવી હોસ્પિટલને બીયુ પરમિશન મળી શકે તેમ નથી. કેટલીક બિલ્ડિંગમાં જ્યાં ફાયર એનઓસી લેવામાં સામૂહિક રીતે નિર્ણય કરવાનો હોય છે, ત્યારે હોસ્પિટલ સંચાલક જાતે નિર્ણય લઇ શકે તેમ નથી. આવી સ્થિતિમાં પણ તેમના માટે બીયુ પરમિશનની શરતોનું પાલન કરવું શક્ય નથી.