નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં વિદેશોના હજારો નાગરિકો ફસાયા છે. વિવિધ દેશો પોતપોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને ફસાયેલા લોકો (મુખ્યત્વે વિદ્યાર્થીઓ) માટે એડવાઈઝરી પણ જારી કરી છે. યુક્રેનમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં ભારત સરકારના પ્રયાસો અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ સક્રિય રહ્યા છે.
યુક્રેનમાં ચીન, અમેરિકા, યુકે, જર્મની. ઈજિપ્ત, મોરોક્કો અને નાઈજિરિયા સહિત ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ દેશોએ પોતપોતાની રીતે વિદ્યાર્થીઓ-અન્ય નાગરિકોને યુક્રેનમાંથી બહાર લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે અને એડવાઈઝરી જારી કરી છે પરંતુ તુલનાત્મક રીતે જોઈએ તો ભારત સરકાર દ્વારા પોતાના નાગરિકોને બહાર લાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તે અન્ય દેશો કરતાં વધુ પ્રમાણમાં સક્રિય જણાયા છે.
ચીનના 6000 જેટલા નાગરિકો યુક્રેનમાં ફસાયા છે અને તેમને બહાર લાવવા માટે ચીને ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી છે અને પોતાના નાગરિકોને ચાઈનીઝ ફ્લેગ સાથે રાખીને કિવ છોડી દેવા સલાહ અપાઈ છે. પરંતુ આમ છતાં કિવ છોડીને જતા ચાઈનીઝ નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ભારતે ઓપરેશન ગંગા શરૂ કર્યુ અને પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર લાવવા ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી છે અને સેંકડો લોકોને ત્યાંથી ભારત લાવવામાં પણ આવ્યા છે. આ ઉપરાંત ભારતે પણ રાષ્ટ્રીય ફ્લેગ સાથે રાખવા નાગરિકોને એડવાઈઝરીમાં કહેલું છે. ચીનના નાગરિકોને પોતાનો રાષ્ટ્રીય ફ્લેગ રાખવા છતાં મુશ્કેલી પડી છે પરંતુ એવી જ રીતે ભારતના નાગરિકોના વાહનોને અટકાવાયા નહોતા.
જ્યારે અમેરિકાએ તો પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર લાવવાનું શક્ય ન હોવાનું જણાવી દીધું છે ત્યારે ભારત દ્વારા પોતાના નાગરિકોને સંપૂર્ણ પ્રયાસો દ્વારા ત્યાંથી સુરક્ષિત રીતે ઓપરેશન ગંગા દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે. આવી જ સ્થિતિ યુકેની પણ છે, જેણે પણ પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર આવવા માટે વધુ વ્યવસ્થા કરવા અંગે અસામર્થ્ય દર્શાવ્યું હતું. કિવમાં બ્રિટિશ એમ્બેસી રિલોકેટ થઈ છે જ્યારે ભારતની એમ્બેસી હજુ પણ ત્યાં પૂર્ણપણે કાર્યરત છે.
જર્મન નાગરિકો માટે મુશ્કેલી વધુ છે કેમકે કિવમાં જર્મન એમ્બેસી બંધ થઈ ગઈ છે, જ્યારે ભારતીય દૂતાવાસ હજુય સંપૂર્ણપણે કાર્યરત છે. ઈજિપ્ત સરકારે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને ત્યાંથી બહાર આવવા માટે એમ્બેસીને મદદ માટે કહ્યું છે. મોરોક્કો દ્વારા પોતાના નાગરિકો યુક્રેનમાંથી બહાર આવે તેની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. તેના નાગરિકો પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા કે હંગેરીમાં પ્રવેશીને યુક્રેનમાંથી બહાર આવવા પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે નાઈજિરિયાના નાગરિકોને તેની સરકારે કહી દીધું છે કે તેઓ યુક્રેનમાંથી બહાર આવવા માટે પોતાની રીતે પ્રયાસો કરે.
યુક્રેનના શિક્ષણ અને વિજ્ઞાન મંત્રાલય તરફથી પ્રાપ્ત ડેટા અનુસાર યુક્રેનમાં 80000 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. જેમાં સૌથી મોટી સંખ્યામાં ભારતના વિદ્યાર્થીઓ છે. જેના પછી વધુ સંખ્યા મોરોક્કો, અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને નાઈજિરિયાની છે. ઓપરેશન ગંગા દ્વારા ભારત પોતાના નાગરિકોને યુક્રેનની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાંથી બહાર લાવવા માટે અન્ય તમામ દેશોની તુલનામાં સૌથી વધુ સક્રિય પ્રયાસો કરી રહ્યું છે.