Site icon Revoi.in

જુનાગઢમાં CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં નારાજ ગણાતા જવાહર ચાવડા, રીબડિયાની ગેરહાજરી

Social Share

જૂનાગઢઃ  લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે  જૂનાગઢ આવી પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે જૂનાગઢ લોકસભા બેઠકના પ્રભારી ઉદય કાનગડ, જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પાર્ટીના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરી છે. જોકે આ બેઠકમાં પૂર્વમંત્રી  જવાહર ચાવડા અને  પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા તેમજ  કોડીનાર તાલાલા અને ઉનાના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે જુનાગઢની બેઠર માટે રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે હજુ આ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્ય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા.અને  ગિરનાર કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે મુખ્યમંત્રી પટેલે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી. જેમાં જૂનાગઢ લોકસભા સીટના પ્રભારી ઉદય કાનગડ, રાજેશ ચુડાસમા, જૂનાગઢ અને માંગરોળના ધારાસભ્ય સંજય કોરડીયા અને ભગવાનજી કરગઠિયાની સાથે જૂનાગઢ શહેર પ્રમુખ પુનિત શર્મા, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સાથે જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતા અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયાની ગેરહાજર રહ્યા હતા. કહેવાય છે કે, કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં પ્રવેશ્યા બાદ જવાહર ચાવડા ઘણા સમયથી પક્ષથી નારાજ હોવાનું કહેવાય છે. છેલ્લા એકાદ વર્ષથી જવાહર ચાવડા ભાજપની તમામ બેઠકોમાંથી પોતાની જાતને દૂર રાખી રહ્યા છે. જ્યારે  વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ ભાજપની બેઠકમાં સામેલ થતા નથી.

વિસાવદર વિધાનસભા જૂનાગઢ લોકસભામાં આવે છે, જ્યારે માણાવદર વિધાનસભા પોરબંદર લોકસભામાં આવે છે. આ લોકસભાના ભૂતપૂર્વ ધારાસભ્યનો દબદબો તેમના મત વિસ્તારમાં રહ્યો છે, તેવા જવાહર ચાવડા અને હર્ષદ રીબડીયાની ગેરહાજરી આગામી દિવસોમાં ભાજપ માટે કોઈ મોટી ચિંતાનો વિષય પણ બની શકે છે. ઉપરાંત  ઉના, કોડીનાર અને તાલાલા બેઠકના ધારાસભ્ય પણ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.  તેમની ગેરહાજરીનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.