રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બની ગઈ છે. તાજેતરમાં બીસીએના સેમેસ્ટર-4ના પ્રશ્નપત્રો લીક થયા હતા. આ બનાવને 12 દિવસ વિતી ગયા છતાંયે હજુ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી નથી. કે પ્રશ્નપત્રો લીક કરવામાં કોણ જવાબદાર છે તેની તપાસ પણ કરવામાં આવી નથી. એવા આક્ષેપો સાથે ABVPના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થી કાર્યકરો કેમ્પસમાં રેકડી (લારી) લઈને નીકળ્યા હતા. ‘પેપર લઇ લ્યો, મફતમાં પેપર લઇ લ્યો’ એવા નારા લગાવ્યા હતા. અને ઇન્ચાર્જ કુલસચિવ અમિત પારેખને રજુઆત કરી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર મંત્રી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, BCA સેમેસ્ટર-4ના 3 પેપરના પ્રશ્નો લીક મામલે અગાઉ બે આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા બાદ પણ યુનિવર્સિટીના સતાધિશોએ કોઈ પગલાં લીધા નથી. જેથી, બુધવારે એક રચનાત્મક કાર્યક્રમ થકી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં રેકડી ફેરવી પેપર વેચ્યા હતા. જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક થઈ રહ્યા છે, તેનો રચનાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેથી, વિદ્યાર્થીઓની આંખ ઊઘડે તે માટે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. પેપર લીકમાં પોલીસ ફરિયાદ ન કરી શકતા કુલપતિએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી હતી.
એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓની રજૂઆત સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગના બંને ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને કુલપતિ અને કુલસચિવ જ્યાં બેસે છે, તે બિલ્ડિંગમાં જવા દીધા ન હતા. જેથી વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાદમાં અમિત પારેખને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, કુલપતિ હાજર ન હોવાથી પેપર લીક બાબતે પોલીસ ફરિયાદ માટે કોઈ સત્તાવાર બાંયધરી આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળી ગયા હતા.