ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા તાજેતરમાં જુદા જુદા અભ્યાસક્રમની ફીમાં વધારો કર્યો છે. ફી વધારાનો વિરોધ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિ.ના કુલપતિને પણ આ સંદર્ભે રજુઆત કરીને ફી વધારો પાછો ખેંચવાની માગણી કરવામાં આવી હતી. હાલ વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારોની હાલત કફોડી બની છે, ત્યારે ફી વધારાથી વિદ્યાર્થીઓના પરિવારો પર આર્થિક બોજ વધશે. ત્યારે ફી વધારો ન કરવાની માગ કરવામાં આવી છે.
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ફી વધારાનો નિર્ણય સમાજના આર્થિક રીતે પીડાતા વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે વધારાનો બોજા રૂપ છે. આ બોજ વાલીને પોતાના બાળકનું શિક્ષણ અધૂરું છોડાવવા સુધીની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે. ત્યારે સોમવારે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શિત કરી ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવાની માગ કરી હતી. એબીવીપીનું સ્પષ્ટ માનવું છે કે આ સમયે ફી વધારો કરવો એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે સંકટ ઉભુ કરી દેશે. આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવો જરૂરી છે. એબીવીપી ભાવનગર દ્વારા યુનિ.ના સત્તાધિશો સમક્ષ આ ફી વધારાનો નિર્ણય સત્વરે પરત લેવા તેમજ જે વિદ્યાર્થીઓ એ ફી ભરી દીધી છે તેમને પરત કરવા માટે માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ જો યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ એબીવીપીના અગ્રણી જલદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિ,ના વિવિધ અભ્યાસક્રમોની ફીમાં કરાયેલા વધારાનો મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘણાબધા વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ પણ મેળવી લીધો છે. હવે ફીમાં જો ઘટાડો કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે તેમને ફી પરત કરવા પડે તેમ છે.