અમદાવાદઃ રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી GMERS હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ 2023- 2024ની ફીમાં તોતિંગ વધારો કરાતા વિરોધ થયો છે. મેડિકલ કોલેજોના એમબીબીએસમાં પ્રવેશમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે 17 લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે 5.50 લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે 25 હજાર યુએસ ડોલર ફી નક્કી કરવામાં આવી છે. આ ફી વધારાને લઇને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ABVP એ આ અંગે GMERS સોલાના ડીનને આવેદન આપી ફી ઘટાડવા રજૂઆત કરી છે.
ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે જ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ વિરોધ કર્યો છે. અગાઉ GMERSની કોલેજોમાં મેનેજેમન્ટ ક્વોટામાં 9.07 લાખ, NRI ક્વોટામાં 22 હજાર યુએસ ડોલર તેમજ સરકારી ક્વોટામાં 3.30 લાખની ફી હતી. જેમાં 70થી 90 ટકાનો ફી વધારો કરવામાં આવ્યો છે. GMERSએ તમામ મેડિકલ કોલેજોના ડીનને નવી ફી બાબતેનો પરિપત્ર આપ્યો છે. આ ફી સામાન્ય પરિવારને પોષાય તેમ જ નથી જેથી, ABVP એ આ મામલે વિરોધ કર્યો છે. ABVPની મેડિકલ વિંગે આ મામલે સોલા GMERS સોલાના ડીનને રજૂઆત કરી હતી.
ABVPના નેતા ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે, GMERSની કોલેજોમાં 10 ટકા સુધી ફી વધારો સમજી શકાય છે પરંતુ, 88 ટકા જેટલો ફી વધારો યોગ્ય ના કહી શકાય. ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ આ ફી વધારો કેવી રીતે સહન કરી શકશે? હાલ મેડીકલમાં પ્રવેશ માટે કાઉન્સલિંગ ચાલી રહ્યું છે ત્યારે સરકાર તુરંત આ ફી વધારો પાછો ખેંચે. ફી વધારો કરવાનો પણ હોય તો સરકારે અગાઉ જાહેર કરવો જોઈએ, જેથી વાલીઓ પોતાની તૈયારી કરી શકે. પ્રવેશના ટાણે જ ફી વધારાને લીધે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમે સરકાર સુધી રજૂઆત કરીશું. જો ફી વધારો પરત લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. GMERS કોલેજ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો ડોકટર બની શકે એ માટે શરૂ થઈ હતી પરંતુ, ફી વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો તબીબ બનવાથી વંચિત રહી જશે.