અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ સુરતના પોલીસ સાથે થયેલી માથાકૂટના પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતા. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો એ બંધ કરાવવામાં આવ્યોલ હતો, વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધી પોલીસ મૂકપ્રેક્ષક બની હતી.
ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના મહામંત્રી પ્રાર્થનાએ જણાવ્યું હતું કે સુરતમાં 2 દિવસ અગાઉ જે પ્રમાણે વિદ્યાર્થીઓ પર દમન ગુજારવામાં આવ્યું હતું તેને લઈને અમે રજૂઆત કરી છે. રાજ્યના ગૃહમંત્રી જે વિસ્તારના છે ત્યાં જ આ પ્રકારનો બનાવ બન્યો હતો અને ગૃહમંત્રી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી અમે આજે ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટીકાર્ય બંધ કરાવી રહ્યા છીએ. ત્યાર બાદ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે અને જરૂર પડશે તો વિધાનસભા સુધી વિરોધ કરવામાં આવશે. બીજી તરફ, પોલીસે સુરત જેવી સ્થિતિ અમદાવાદમાં ના થાય એ માટે વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત ટાળી હતી. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બંધ કરાવવાનું શરૂ કર્યું હતું. બે કલાક માટે યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરી બંધ રાખવામાં આવી હતી. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સુરતમાં ગરબા ડેનું આયોજન નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન્સ આપવામાં આવી છે એનું અનુસરણ કરવું જોઈતું હતું, પરંતુ તેનું પાલન કરાયું નથી. ફરજ પર હાજર પોલીસે પોતાની રીતે કામગીરી કરી એ દરમિયાન ABVPના કાર્યકર્તા હોય તેમની સાથે ગેરવર્તન કર્યું હતું , તેમજ તેમની સાથે ગાળા ગાળી કરી હતી. કુલપતિ પોતે સક્ષમ ન હોવા છતાં પણ તેમણે મૌખિક રીતે મંજૂરી કયા આધારે આપી છે તેનો પણ તેમણે ખુલાસો કરવો જોઈએ.
NSUIના શહેર પ્રમુખ મનીષ દેસાઈએ જણાવ્યું હતું કે, ABVPની સરકાર હોવાને કારણે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને પોલીસ સામે તેઓ દાદાગીરી કરી રહ્યા છે. ભાજપની સરકાર હોવાને કારણે તેઓ પોલીસને દબાવી રહ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યા છે કે ખુલ્લા પાર્ટી પ્લોટની અંદર કોઈએ પણ નવરાત્રિનું આયોજન કરવાનું નથી. તો કયા આધારે તેમને મંજૂરી આપવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન છે.