Site icon Revoi.in

શિક્ષકોની ભરતી માટે લડત ચલાવી રહેલા TET અને TATના ઉમેદવારોને ABVPએ આપ્યું સમર્થન

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારે શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનું આયોજન કર્યું છે. તેના લીધે ઘણા સમયથી શિક્ષક તરીકેની નોકરી માટે ચાતક નજરે રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી ભરતીની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. પણ સરકારે કોઈ મચક ન આપતા આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનું એલાન કર્યું છે. બીજીબાજુ ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીએ લડતને સમર્થન આપ્યુ છે. અને આંદોલનને ટેકો જાહેર કર્યો છે. જ્યારે ભાજપના અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખીને શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગણી કરી છે.

રાજ્ય સરકાર TET અને TAT પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક અને ખેલ સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરી રહી છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે તેમની લડતમાં ABVPએ પણ  ઝંપલાવ્યું છે. ABVP દ્વારા ઉમેદવારોની ગૂગલ ફોર્મ દ્વારા વિગત એકઠી કરવામાં આવી રહી ત્યારબાદ આવતા અઠવાડિયે ABVP પણ કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો સાથે આંદોલન કરશે. બીજીબાજુ જ્ઞાન સહાયકની કાયમી ભરતી કરવામાં નહી આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે. જ્ઞાન સહાયકની કરાર આધારીત ભરતીને લઇને છેલ્લા એકાદ માસથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા વિરોધ કાર્યક્રમો ચલાવી રહ્યા છે. આથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો તેઓ તેમજ તેમના પરિવાર અને સગાઓને મતદાન નહી કરવાનો પ્રચાર કરશે. તેવી જાહેરાત કરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનો વિરોધ ચાલી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તો ભાવિ શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ભાજપના જ અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખીને શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગણી કરી છે. ધારાસભ્યના પત્ર પર NSUIએ પ્રહાર કરતા જણાવ્યું છે કે, ધારાસભ્યને ખરેખર ચિંતા હોય તો  ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો  આંદોલન કરી રહ્યા છે. એમાં જોડાવવું જોઈએ.

રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. જોકે શિક્ષકોની જગ્યાઓની ભરતી કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકની યોજના લાવવામાં આવી છે. તેમાં જ્ઞાન સહાયકની અગિયાર માસના કરાર આધારીત ભરતી કરવાની હોવા છતાં તેના માટે શિક્ષક અભિરૂચિ કસોટી પાસ કરવાની લાયકાત નક્કી કરવામાં આવી છે. જોકે ગત વર્ષ સુધી રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતીની સાથે સાથે પ્રવાસી શિક્ષકોની ભરતી કરાતી હતી. જોકે પ્રવાસી શિક્ષકોની ભરતી માટે શિક્ષક અભિરૂચિ કસોટી પાસ કરેલી હોય તેવો નિયમ લાગુ હતો નહી.જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં દ્વિ-સ્તરીય પરીક્ષા પાસ કરવા છતાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો 11 માસના કરાર આધારીત જ્ઞાન સહાયક તરીકે નોકરી કરવાની હોવાથી શિક્ષક બનવાનું હજારો ઉમેદવારોનું સ્વપ્ન ચકનાચૂર થઇ ગયું છે.