અમદાવાદ: શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા છે ત્યારે પશુ-પંખીઓની હાલત વધુ કફોડી બની ગઈ છે. બપોરના સમયે પશુ-પંખીઓ લીલાછમ વૃક્ષોનો છાયડો નીચે ઊભા રહીને ગરમીથી બચવાના પ્રયાસો કરતા હોય છે. જ્યારે શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓને યોગ્ય ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓ માટે ગરમીથી બચવા માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.આ વર્ષે ગરમી વહેલી શરૂ થતા ઝૂ ના પ્રાણીઓ સિંહ, દીપડા સહિત 1500 પ્રાણીઓ-પક્ષીઓને ઠંડક મળે તેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. ઝૂ માં બરફ્નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીના જણાવ્યા મુજબ 125 માંસાહારી પ્રાણીઓ સિંહ, દીપડા, વાઘના પાંજરામાં ગોગર સીસ્ટમ લગાવાઈ છે. પ્રાણીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓને પીવાના પાણીમાં ઓઆરએસ અપાય છે. માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો કરાયો છે. સાથે સાથે પ્રાણીઓના પાંજરામાં પાણીનો છંટકાવ સમાંયતંરે કરવામાં આવે છે. સરીસૃપોના પાંજરામાં એક્ઝોસ્ટફેન મુકાયા છે. પક્ષીઓ, રીંછના ખોરાકમાં તરબૂચ, ટેટીમાં વધારો કરાયો છે. લેપર્ડ કેટ જેવા નાના વન્યપ્રાણીઓના પાંજરામાં એરકુલર મુકવામાં આવ્યા છે.
ગરમીથી રીંછને રક્ષણ માટે એસી સહિત રીંછનું શારિરીક સંતુલન ગરમીથી ન બગડે તે માટેફ્રુટની આઈસ કેન્ડી અપાઈ રહી છે. રીંછ,વાઘ અને વાંદરા માટે નહાવાના હોજમાં બરફ્ની પ્લેટો મુકાય છે. જેનાથી બપોરના સમયે પ્રાણીઓ ઠંડા પાણીમાં જ સમય વિતાવે છે. 125 જેટલા માંસાહારી પ્રાણીઓ, 500 જેટલા તૃણાહારી સહિત 1500 જેટલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ વ્યવસ્થા કરાઈ છે. જ્યાં સુધી વરસાદ ન પડે અને વાતાવરણ એકદમ કુદરતી રીતે ઠંડું ન થાય ત્યાં સુધી આ સુવિધાઓ અપાશે. ઝૂ ના ડાયરેક્ટર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તથા ડોક્ટર અને તેની ટીમ દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.