સુરતઃ શહેરમાં અસહ્ય ગરમીમાં ભર બપોરે ચાર રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરાવતા ટ્રાફિક પોલીસની હાલત કફોડી બનતી હોય છે. પરશેવે રેબઝેબ થતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. જેનાથી ટ્રાફિક પોલીસના જવાનોને ગરમીમાં મોટી રાહત થઈ છે. માથા પર એસી હેલ્મેટને કારણે માથા પર ગરમી લાગતા નથી. અને ભર બપોરે પણ ટ્રાફિક પોલીસ સારીરીતે ફરજ બજાવી શકે છે.
સુરત શહેરમાં ટ્રાફિક વિભાગના જવાનો ખડેપગે ગરમીમાં પણ ઊભા રહીને ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યાં છે. આ હેલ્મેટ ચાર્જિંગ કર્યા બાદ આઠ કલાક સુધી ટ્રાફિક જવાનને ઠંડક આપશે.
શહેર પોલીસ કમિશનર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો ગરમીના કારણે ભારે પરેશાની ભોગવે છે, આવી સ્થિતિમાં તેઓ પોતાની ફરજ પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવાને કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જરૂરી હોવાને કારણે આવી કપરી સ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પોઇન્ટ ઉપર બજાવતા રહે છે. ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેને કારણે વાહનચાલકો સાથે પણ તેમની ચકમક થતી રહે છે. આવી કાળજાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે તેના માટે તેમને AC હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. કેટલાક ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને AC હેલ્મેટ આપવામાં આવ્યા હતા.આ હેલ્મેટ ચાર્જ કર્યા બાદ 8થી 10 કલાક સુધી તેમાં કર્મચારીને રાહત મળી શકશે. હાલના તબક્કે આ કર્મચારીઓનો જે અભિપ્રાય છે. તે પૂછવામાં આવશે અને ત્યારબાદ અન્ય જે સૌથી વધુ વ્યસ્ત જંકશનનો છે. ત્યાં આગળ કર્મચારીઓને આ હેલ્મેટ આપવામાં આવશે. આ હેલ્મેટ પહેરવાથી એમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને ગરમીના કારણે વાહનચાલકો સાથે જે ઘર્ષણ થતા હતા. તેમાં પણ ઘટાડો થશે.