Site icon Revoi.in

ACBએ 4 લાખની લાંચ કેસમાં છટકું ગોઠવ્યું, બે કોન્સ્ટેબલ લાંચની રકમ લઈ કારમાં નાસી ગયા

Social Share

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલે અરજી પરત ખેચવા, ફરિયાદ વિરુદ્ધ થયેલી ત્રણ અરજીઓના નિકાલ માટે અને ફરિયાદીને હેરાન નહિ કરવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી, રકઝકના અંતે 5 લાખની લાંચ નક્કી થઈ હતી. પણ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. અને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. એક હોટલ પાસે પેટ્રોલ પંપ નજીક જાહેર રોડ પર બન્ને પોલીસ કર્મચારીએ 4 લાખની લાંચ સ્વીકારી હતી, દરમિયાન પોતાની કાર પાસે એસીબીના અધ્કારીઓ હોવાની શંકા જતા બન્ને પોલીસ કર્મચારીઓ લાંચની રકમ સાથે કાર લઈને વીજળી વેગે નાસી ગયા હતા. દરમિયાન એસીબીએ પીછો કરતાં ઇડરના શેરપુર પાસે ખેતરમાંથી કાર બિન વારસી મળી આવી હતી.  એસીબીએ કાર કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસીબીના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ઈડરના જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ અરજી કરી હતી. જે અરજી પરત ખેંચવા, ફરિયાદી વિરૂધ્ધ થયેલી ત્રણ અરજીઓના નિકાલ સારૂ અને ફરીયાદીને હેરાન નહી કરવાના અવેજ પેટે જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઇ પટેલે ફરિયાદી પાસે રૂ 10 લાખની લાંચની માંગણી કરી હતી. જેના સામે 5 લાખ જેટલી વ્યવસ્થા થાય તેટલા નાણાં આપવાનો વાયદો કર્યો હતો. જે લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આ ફરિયાદના આધારે 4 લાખ સાથે રાખી લાંચના છટકાનું આયોજન કરતાં ઇડરથી હિંમતનગર રોડ ઉપર આશિષ હોટેલની સામે આવેલા એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં જાહેર માર્ગ ઉપર હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઇ પટેલે તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશજી રાયચંદજી રાઠોડે ફરિયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાત-ચીત કરીને લાંચના નાણાંની માંગણી કરી હતી અને લાંચના નાણાં સ્વીકાર્યા બાદ આરોપીઓને શંકા જતા લાંચના નાણાં  સાથે કારમાં નાસી ગયા હતા. જેને લઈને એસીબી પોલીસે કારનો પીછો કર્યો હતો અને ઇડરના શેરપુરથી કાર ખેતરમાં મળી આવી હતી. જે એસીબી પોલીસે કબજે લઈને બે સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.