ટ્રેનમાં વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી દંડને બદલે લાંચ લેતા ટીસીને ACBએ ઝડપી લીધો
અમદાવાદઃ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને પકડીને દંડ વસુલવામાં આવતો હોય છે. રોજબરોજ અનેક પ્રવાસીઓ વિના ટિકિટે મુસાફરી કરતા પકડાતા હોય છે. ટ્રેનોમાં ટિકિટ ચેકરો દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં એક ટિકિટ ચેકર યાને ટીસી ટિકિટ વિના પ્રવાસ કરી રહેલા પ્રવાસી પાસેથી દંડની બદલે લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનથી આવતી જતી ટ્રેનોમાં ટિકિટ વિનાનાં મુસાફરો પાસેથી રૂ. 200 થી 2000 સુધીની લાંચ લઈ આરામથી મંઝિલ સુધી પહોંચાડનારા વલસાડ હેડ ક્વાર્ટરનાં ચીફ ટિકિટ ઇન્સ્પેકટર વિજય પટેલને (TC) ગાંધીનગર એસીબીએ ચાલતી ટ્રેનમાં ટ્રેપ ગોઠવી 1500 રૂપિયાની લાંચ લેતાં ઝડપી લીધા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી આવતી જતી ટ્રેનમાં ટિકિટ વિનાનાં પ્રવાસીઓ પાસેથી બસ્સોથી બે હજારની રકમ લઈ રેલવે વિભાગના ટિકિટ ચેકરો આરામથી મંઝિલ સુધી પહોંચાડી દેતા હોવાની વ્યાપક ફરીયાદો એન્ટિ કરપ્શન બ્યુરોને મળી હતી. જે અન્વયે ગાંધીનગર એસીબી પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી એસ ચૌધરીએ ટિકિટ વિના મુસાફરી કરાવતા ટિકિટ ચેકરને રંગેહાથ ઝડપી પાડવા જાળ બિછાવવાનું નક્કી કર્યું હતું. જેનાં માટે એક ડીકોયરને મુસાફરનાં સ્વાંગમાં વલસાડથી વડનગર જતી ટ્રેનમાં અમદાવાદથી બેસાડી દેવાયો હતો. જ્યાં ટ્રેનમાં બેસતા પહેલા ડીકોયર ટિકિટ ચેકરને મહેસાણા જવા બાબતે પૂછતાંછ કરી હતી. એટલે ટિકિટ ચેકરે તેને ટ્રેનમાં બેસી જવા કહ્યું હતું. બીજી તરફ એસીબીની ટીમ પણ મુસાફરોના સ્વાંગમાં ગોઠવાઈ ગઈ હતી. બાદમાં એક ટિકિટ ચેકર એક પછી એક પ્રવાસીઓની ટિકિટ ચેક કરતો કરતો ડીકોયર પાસે ગયો હતો. એ અરસામાં ટ્રેન ગાંધીનગર રેલ્વે સ્ટેશન પહોંચી હતી અને ટ્રેન ત્યાંથી ઉપડી એટલે ટિકિટ ચેકરે ડીકોયર પાસે ટિકિટ માંગી હતી. પરંતુ અગાઉથી નક્કી મુજબ થયાં મુજબ ડીકોયરે પોતાની પાસે ટિકિટ નહીં હોવાનું જણાવ્યું હતું. જેની અવેજીમાં ટિકિટ ચેકરે અમદાવાદથી મહેસાણા સુધી વિના ટિકિટ મુસાફરી કરવા દેવા 1500 રૂપિયાની માંગણી કરી હતી. એ અરસામાં ટ્રેન ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ટ્રેન માંડ બે કિલો મીટર આગળ પહોંચી હતી. ડીકોયરે લાંચની રકમ ટીસી ને આપી હતી. એજ ઘડીએ ટ્રેનમાં મુસાફરનાં સ્વાંગમાં બેસેલ પીઆઈ ચૌધરી સહીતની ટીમે ટીસીને આબાદ રીતે લાંચ લેતા ઝડપી પાડયો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ વિજય ચીમનભાઇ પટેલ હોવાનું કહી પોતાની નોકરી વલસાડ હેડ ક્વાર્ટર ખાતે ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર (વર્ગ – 3) તરીકે હોવાની વધુમાં કબૂલાત કરી હતી. એસીબીએ ચીફ ટિકિટ ઇન્સ્પેકટર વિજય પટેલને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.