અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોનાના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધવાની સાથે માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મનપા દ્વારા વધારે 18 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કર્યાં છે. જ્યારે ચાર વિસ્તારને મુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ અમદાવાદ શહેરમાં લગભગ 163 જેટલા વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેટમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. 24 કલાક દરમિયાન 400થી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયાં હતા. જેની સામે થોડા દિવસ પહેલા આ આંકડો ખુબ જ ઓછો હતો. શહેરમાં કોરોનાના કેસ વધતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ સઘન સર્વે અને ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટ માટે ઠેર-ઠેર કોરોના ટેસ્ટીંગ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યાં છે. આમ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મનપા દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે.
હાલ અમદાવાદ શહેરમાં 163 જેટલા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે. શહેરમાં વધારે 18 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો છે. જ્યારે ચાર વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મનપા દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. નવા ઉમેરાયેલા વિસ્તારમાં શહેરમાં સૌથી વધુ સાઉથ બોપલમાં 260 મકાનો માઇક્રો કન્ટેઇન્મેન્ટની લપેટમાં આવ્યા છે.