અમદાવાદઃ ગુજરાતના ભરૂચમાં આવેલી એક કેમિકલ કંપનીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં બ્લાસ્ટ બાદ અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે એક વ્યક્તિ લાપતા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચના દહેજમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થતા બાદ આગ લાગી હતી. આગની આ ઘટનામાં છ કર્મચારીઓ ઝપટે ચડ્યાં હતા. આ બનાવમાં પાંચ શ્રમજીવીઓના ઘટના સ્થળ પર જ મોત થયાં હતા. જ્યારે બ્લાસ્ટ બાદ એક કર્મચારી ગુમ થઈ ગયો હતો. કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા.
આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. કંપનીમાં દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તે જાણવા માટે પોલીસ અને ફાયરબ્રિગેડે કવાયત શરૂ કરી છે.
(PHOTO-FILE)