Site icon Revoi.in

લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને દૂધના કન્ટેનર વચ્ચે અકસ્માત, 18ના મોત

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત થયો છે. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ ડેકર બસ અને દૂધના કન્ટેનર વચ્ચે ભયાવહ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોના મોત નીપજ્યા હતા, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં 14 મહિલાઓ, 3 પુરૂષો અને એક બાળકનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે મૃતદેહ મેળવીને આગળ તજવીજ હાથ ધરી

આ ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 5:15 વાગ્યે એક દૂધના ટેન્કર સાથે અથડાતા 18 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ ઘાયલોને બહાર કાઢીને સીએચસી બાંગરમાઉમાં સારવાર માટે દાખલ કર્યા છે. તો પોલીસે મૃતદેહ મેળવીને આગળ તજવીજ હાથ ધરી છે.

18 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે

ઘટના અંગે માહિતી આપતા ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે, “આજે સવારે લગભગ 05.15 વાગ્યે બિહારના મોતિહારીથી આવી રહેલી એક ખાનગી બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે બસની સ્પીડ ઘણી વધારે હતી અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.”

મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા સૂચના આપી છે.