Site icon Revoi.in

વડોદરાના વાઘોડિયા નજીક કાર ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા પિતા-પુત્રી સહિત 3ના મોત

Social Share

વડોદરાઃ  જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ પાસે મોડી રાત્રે કાર ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતાં  આ ઘટનામાં પિતા અને માસૂમ પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે અન્ય માતા અને દીકરીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં પિતા અશોક દહિયા, પુત્રી અનન્યા અને મોપેડ ચાલક કમલેશ ઠાકોરનો સમાવેશ થાય છે. ત્રણ લોકોનો ભોગ લેનારો કારચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. વાઘોડિયા પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા નજીક આવેલા બાજવાની દીનબંધુ સોસાયટીમાં રહેતા કમલેશ રમેશભાઈ ઠાકોર જરોદ ખાતે સાસરીમાં આવ્યા હતા. તેઓને કંપનીના કામ માટે રાજસ્થાનના કોટા જવાનું હોવાથી જરોદથી મોડી રાત્રે મોપેડ લઈને નીકળ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર મોપેડ પાર્ક કરીને ટ્રેનમાં તેઓ કોટા જવા રવાના થવાના હતા. રાત્રે 11 વાગ્યે તેઓ હાલોલ વડોદરા હાઇવે ઉપર કોટંબી ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી કારે ટક્કર મારતા મોપેડ ચાલકનું મોત થયું હતું. આ ઉપરાંત કાર ચાલકે અન્ય એક બાઈકને અડફેટમાં લીધી હતી. જેમાં બાઇક પર બેઠેલા અશોક પ્રેમદાસ દહિયા (હાલ રહે. ગાયત્રીનગર. જરોદ) તેમના પત્ની નીલુબેન તથા બે બાળકોને ઈજા પહોંચી હતી. તે પૈકી અશોક પ્રેમદાસ દહિયા અને તેમની 6 વર્ષની બાળકી અનન્યાનું કરૂણ મોત થયું હતું. જ્યારે નીલુબેન અને પાંચ વર્ષની બાળકી આરોહિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અશોકભાઈ દહિયા અને તેમના પત્ની નીલુબેન એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હતા અને તેઓ પોતાની સાથે બંને બાળકીઓને કંપનીમાં લઈ જતા હતા. મોડી રાત્રે કંપની પરથી ઘરે બાઇક પરત આવતા હતા, તે દરમિયાન તેઓ કારની અડફેટમાં આવી ગયા હતા. અરેરાટીભર્યા આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સી.એલ. દેસાઈએ ત્રણ વ્યક્તિઓનો ભોગ લેનાર ફરાર કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.