Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 4નાં મોત

Social Share

 

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં આજે અકસ્માતનો વધુ એક બનાવ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક બન્યો હતો. પીકઅપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં પીકઅપ વાનમાં પ્રવાસ કરી રહેલા એક જ પરિવારના 4 મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે 16 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પીકઅપમાં સવાર 20 લોકો પૈકી બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 18 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ રેથરીયા કોળી પરિવારની સગી દેરાણી જેઠાણી છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા પાસેના મોલડી નજીક મધરાતે ટ્રક અને પીકઅપ વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃ કાર્ય માટે જતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.