Site icon Revoi.in

વડોદરાના વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરને કેબીન તોડી બચાવાયો

Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વડોદરા નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ત્રણ દિવસમાં બીજો અકસ્માત સર્જાયો હતો. અને  બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં પણ ટ્રકની કેબીનમાં ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેર નજીક વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર આજે પરોઢિયે અમદાવાદથી સુરત તરફ જતી બે ટ્રક ધડાકાભેર ભટકાતા એક ટ્રકનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી ગઈ હતી.  દરમિયાન પાછળના ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હોવાનો કોલ ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક ઘટનાના સ્થળે ટીમ પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ ટ્રકની કેબીન કાપીને ટ્રક ચાલકને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના સૂત્રોના કહેવા મુજબ  સુરતથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક કેબીનમાં ફસાયો છે. તેવી માહિતી મળતા જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવર મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું છે અને તેનું નામ શિવરાજ શ્રીરામ છે. ટ્રકચાલકનું ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાછળની ટ્રકનો ચાલક ટ્રકની કેબીનમાં સ્ટેરીંગ અને કેબિનમાં કેટલાંક ભાગમાં ફસાયો હતો અને બચાઓ બચાઓની બૂમો પાડતો હતો. એક કલાક સુઘી ફાયરના જવાનો સાધનો વડે કેબિનમાં જગ્યા કરી જરૂરી ભાગને કટ કરી ચાલકને જીવતો બહાર કાઢી શહેરની સયાજી હોસ્પટલમાં સારવાર માટે મોકલ્યો હતો. આ અકસ્માતને લઇ સુરત તરફથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. રેસ્ક્યુ દરમિયાન ટ્રાફિક અડચણરૂપ ન થાય તે માટે વાઘોડિયા બ્રિજ નીચેથી સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપી ટ્રાફિકને હળવું કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં સદ નસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અવાર નવાર આ રીતે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે અકસ્માત ઝોન જાહેર કરી તેના પર યોગ્ય કાર્યવાહી થાય તે લોકોની માંગ છે.