અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના ટ્રકને નડ્યો અકસ્માત, ત્રણ જવાનોના નિધન
- આર્મી કાફલાની ટ્રક ખાઈમાં ખાબકતા સર્જાઈ દૂર્ઘટના
- સમગ્ર ઘટના અંગે સીએમએ દુઃખ વ્યક્ત કર્યું
ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશના ઉપલા સુબાનસિરી જિલ્લામાં એક ટ્રક ઊંડી ખીણમાં પડતાં સેનાના ત્રણ જવાનોના નિધન થયાં હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે ‘ટ્રાન્સ અરુણાચલ’ હાઈવે પર તાપી ગામ પાસે થયો હતો. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, શહીદ જવાનોની ઓળખ હવાલદાર નખત સિંહ, નાઈક મુકેશ કુમાર અને ગ્રેનેડિયર આશિષ કુમાર તરીકે થઈ છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સેનાનું આ દૂર્ઘટનાગ્રસ્ત ટ્રક ઉપલા સુબનસિરીના જિલ્લાના મુખ્ય મથક દાપોરિજોથી લેપારાડા જિલ્લાની તરફ જતા સૈન્ય કાફલાનો એક ભાગ હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલો અને મૃતદેહોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
મુખ્યમંત્રી પેમા ખાંડુએ સેનાના જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે, “ઉપલા સુબાનસિરી જિલ્લાના તાપી પાસે એક દુ:ખદ અકસ્માતમાં ત્રણ સૈન્યના જવાનો – હવાલદાર નખત સિંહ, નાઈક મુકેશ કુમાર અને ગ્રેનેડિયર આશિષ કુમારના જીવ ગુમાવવાથી હું ખૂબ જ દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા અને સર્વોચ્ચ બલિદાનને સન્માન સાથે યાદ કરવામાં આવશે.” તેમણે કહ્યું, ”શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાન બુદ્ધને બહાદુર આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઓમ મણિ પદમે હમ.”
#ArunachalAccident #IndianArmy #ArmyTruckAccident #ArunachalNews #SoldiersLost #IndianArmyNews #ArunachalPradesh #TributeToSoldiers #MilitaryAccident #ArmyTragedy