વડોદરાના જાંબુવા બ્રીજ નજીક અકસ્માત બે કાર, બાઈક અને ડમ્પર વચ્ચે અક્માત, દંપતીનું મોત
વડોદરા : ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વડોદરા નજીક જાંબુવા બ્રીજ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતા બે બાઈક અને બે કારને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. આ અકસ્માકને લીધે હાઈ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે સવારે બે બાઇક, 2 કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇકસવાર ભરૂચના પતિ-પત્નીના મોત નિપજ્યા હતા.કમકમાટીભર્યા અકસ્માતને પગલે હાઇવે પરનો ટ્રાફિક-વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પરિણામે, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વડોદરાના જાંબુવા બ્રિજ પાસે સવારે એક ડમ્પરે બે બાઇકસવારોને અડફેટમાં લીધા હતા. તેની સાથે બે કારચાલકને પણ અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર પસાર થઇ રહેલાં એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઇ ગયા હતા, જેમાં રાજેન્દ્રભાઇ ઓધવજી પ્રજાપતિ (રહે. એલ-72, જય જલારામધામ સોસાયટી, નંદેલાવ ગામ, ભરૂચ) અને શોભનાબેન રાજેન્દ્રભાઈ પ્રજાપતિ (ઉ.વ.45)નું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાંબુવા નદી પરનો બ્રિજ ખુબ જ સાંકડો હોવાથી સતત અકસ્માત થયા કરે છે. તંત્રને વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ આ અંગે કોઇ જ પગલા લેવામાં આવતા નથી. હાલ તો પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ ઉપરાંત ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.