અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે કાર અને જેસીબી વચ્ચે સર્જાયો અકસ્માત, મહિલાનું મોત
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લીંબડી નજીક નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ઇકો કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ચાર જેટલા વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. લીંબડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, લીબડી રાજકોટ હાઇવે ઉપર સર્કિટ હાઉસ નજીક ઇકો કાર અને જેસીબી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.જેમાં સારવાર દરમિયાન એક મહિલાનું સુરેન્દ્રનગર ખાતે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય ચાર જેટલા વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બીજો અકસ્માતનો બનાવ ચુડા તાલુકામાં સર્જાયો હતો. જેમાં તાલુકાના ગોખરવાળા ગામે છકડો પલટાતા બાળક સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માતની ઘટનામાં છકડા ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા તમામને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.