Site icon Revoi.in

કચ્છના નેશનલ હાઈવે પર મીઠા ભરેલી ટ્રકોમાંથી પડતા પાણીને લીધે અકસ્માતો વધી રહ્યા છે

Social Share

ભુજ  :  કચ્છના નેશનલ હાઈવે 24 કલાક ભારે વાહનોથી ધમધમતો હોય છે. કચ્છમાં અનેક ઉદ્યોગો આવેલા છે, તેમજ મીઠાંનું પણ સારૂએવું ઉત્પાદ થાય છે. ટ્રકોમાં પાણી મિશ્રિત ભીનું મીઠું ભરવામાં આવતું હોવાથી મીઠાં ભરેલી ટ્રકોમાંથી પાણી રોડ પર સતત પડતું રહે છે. તેના લીધે રોડ ચીકણો થવાથી અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા રહે છે, ઉપરાંત મીઠાં ભરેલી ટ્રકો પર તાડપત્રી હોતી નથી એટલે ચાલુ ટ્રકમાંથી મીઠાંના કણો સતત ઉડતા રહે છે. તેના લીધે ટ્રક પાછળ આવી રહેલા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હોય છે. જિલ્લાના આરટીઓ દ્વારા આ અંગે પગલાં ભરવામાં આવે તેવી વાહનચોલકોની માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ભુજોડી ઓવરબ્રીજ તો શરૂ થયો પરંતુ તેના પરથી મીઠું ભરીને ખારું ચીકણું પાણી ઢોળતા જતી ટ્રકોના લીધે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ભુજ-ખાવડા માર્ગ અને પચ્છમનાં આંતરિક રસ્તાઓ પર પણ આ મીઠાં ભરેલી ટ્રકો અને ઢોળાતા ચીકણા ખારા પાણીએ એક મોટી સમસ્યા સર્જી દીધી છે. લુડીયા ફાટકથી પસાર થતાં નમકનાં છલોછલ અને ઓવરલોડ ગણી શકાય તેવા મોટા વાહનો પર તાલપત્રી પણ બંધાતી નથી તેથી આખા રસ્તે નમક અને ચીકણું કાળું પાણી વહ્યા કરે છે, આ પાણી પરથી કોઇ અન્ય દ્વિચક્રી વાહન પસાર થાય એટલે ચાલક લપસવા માંડે અને વાહન સ્લીપ થઈ જાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં કરોડોના ખર્ચે ખાવડાનો નવો રસ્તો બંધાયો છે તે આ મીઠા પરિવહન થકી ભારે ગોઝારો સાબિત થઇ રહ્યો છે, પરિવહન થતા વાહનો તમામ નિયમોને નેવે મુકીને નીકળતા હોય છે. રોડ પર મીઠાંના પાણી સતત ઢોળાવાને લીધે ભારે ખારાશ ધરાવતી-ક્ષારવાળી બન્ની-પચ્છમની ધરતી વધુને વધુ ઝેરીલી થતી જાય છે. આ આખો ધોરી માર્ગ જમીનથી ઊંચો છે અને ચોમાસામાં જ્યારે પાણી ભરાય છે ત્યારે માલ-ઢોર સાથે માનવીઓનું આશ્રયસ્થાન બને છે હવે આ ચોમાસે આ રસ્તાના કિનારે ઘાસ પણ થશે નહીં એટલું મીઠું ઢોળાયું છે. બીજું આ રસ્તા પરથી વહીને જ વરસાદી પાણી રોડ પર સાઈડના નાના ખાડાઓમાં ભરાય છે અને ચાર-છ મહિના પશુઓના પીવાના ઉપયોગમાં આવે છે પણ હવે આ નમકએ આખા વિસ્તારની મીઠાસ પર ખારો પટ્ટો ચડાવી દેતા માલધારીઓ ચોમાસાના પાણી માટે ભયભીત બન્યા છે.  વહીવટી તંત્ર આ નમક પરિવહન પર અંકુશ મુકે અથવા કમસેકમ રસ્તા પર પાણી કે નમક ન ઢોળાય તેવા પગલાં લે તેવી પચ્છમ-બન્નીની માંગ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના હાજીપીર-ખાવડાથી કંડલા જતા નમક ભરેલા વાહનોમાંથી છલકાતું મીઠું અને વહેતું ગંદું ચીકણું પાણી અકસ્માતોનું જનક બન્યું છે. આખો રસ્તો જાણે અકસ્માત ઝોન હોય તેવો ભાસે છે. નિત્ય પાંચથી પંદર દ્વિચક્રી વાહનો લપસે છે અને યુવાનો ઘાયલ થાય છે. આ માર્ગ પર રોજીંદી આવ-જા કરતો વર્ગ ફરિયાદ કરે છે કે આ નમક પરિવહનવાળા વાહનોની ગતિ પણ ખુબ અનિયંત્રીત અને ડ્રાઇવીંગ પણ ખુબ જોખમી હોવાથી ગમે ત્યારે ગંભીર અકસ્માતનો ભય છે, જો તંત્ર મીઠું સુકવીને પરિવહન કરવાની વ્યવસ્થા નહીં કરે તો ભવિષ્યમાં કંડલા સુધી કયાંયે ખેતી કે ઘાસ-મીઠાં પાણીની શક્યતા નહીં રહે. આ જોખમ લઇને નીકળતા વાહનો જ્યારે વસ્તી નજીક પહોંચે છે ત્યારે ભારે બેફામ ગતિએ નીકળે છે. પોલીસ, મહેસુલ, આર.ટી.ઓ. કે અન્ય પર્યાવરણ સંબંધી તંત્રો આ દુષણ અટકાવશે નહીં તો ભવિષ્યમાં વિકાસનો આ માર્ગ ભારે જોખમ સર્જશે.