વર્ક ફ્રોમ હોમને લઈને સર્વે, 82 ટકા કર્મચારીઓને હવે ઓફિસથી કામ નથી કરવું
- કર્મચારીઓને હવે નથી જવું ઓફિસ
- ઘરેથી જ કરવું છે કામ
- સર્વેમાં થયો ખૂલાસો
અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટાભાગના દેશોમાં મોટાભાગના કામ ઓનલાઈન શરૂ થઈ ગયા હતા. હજુ પણ કેટલીક કંપનીઓ દ્વારા તેના કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને લઈને થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના કર્મચારીઓ હવે વર્ક ફ્રોમ હોમમાં જ રહેવા માંગે છે. નવી આદતોએ લોકોના જીવનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ અભ્યાસમાં સામેલ લોકોમાંથી 82 ટકા લોકો ઓફિસ જવા માંગતા નથી અને ઘરેથી કામ કરવા માગે છે.
રોજગાર સંબંધિત વેબસાઈટ સાઈકીના ‘ટેક ટેલેન્ટ આઉટલુક’ના રિપોર્ટ અનુસાર, મહામારીને કારણે પહેલા કર્મચારીઓ પર દૂર રહીને ઓફિસનું કામ કરવાની સિસ્ટમ લાદવામાં આવી હતી, પરંતુ હવે બે વર્ષ પછી ‘વર્ક ફ્રોમ હોમ’ હવે ‘નવો ટ્રેન્ડ’ બની ગયો છે.
80 ટકાથી વધુ એચઆર મેનેજરોએ જણાવ્યું હતું કે તેમના માટે ફુલ-ટાઈમ ઓફિસ-ગોઇંગ કર્મચારીઓ શોધવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. તો બીજી તરફ 67 ટકાથી વધુ કંપનીઓએ પણ કહ્યું કે તેમના માટે ઓફિસમાં કામ કરતા લોકોને શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે.
ટેલેન્ટ ટેક આઉટલુક 2022 ચાર મહાદ્રીપોમાં 100 થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને એચઆર એક્ઝિક્યુટિવ્સના પ્રતિભાવોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સર્વે સોશિયલ મીડિયા, ઈન્ટરવ્યુ અને પેનલ ચર્ચા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસમાં સામેલ 64 ટકા કર્મચારીઓએ કહ્યું કે ઘરેથી કામ કરવાથી તેમની ઉત્પાદકતા વધે છે અને તણાવ ઓછો થાય છે.