- ચીનની મેલી મુરાદ આવી સામે
- ભારતને જવાબ આપવા કરી શકે મોટી નાપાક હરકત
- એરિયા-51 જેવું એરબેઝ બનાવી રહ્યા હોવાનો દાવો
દિલ્હી : ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ ચીન ભલે શાંતિની વાત કરતુ હોય પણ હજુ તેના ખોટા ઈરાદા સામે આવી રહ્યા છે. ભારતીય સેના દ્વારા જે રીતે ચીનને પછડાટ આપવામાં આવી છે તે વાત ચીનને હજમ થઈ નથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કેટલી તાકાત છે તે સામે આવી ગયું છે.
ભારતને ફરીવાર દગો આપવા માટે હવે ચીન એવું કામ કરી રહ્યું છે જેને લઈને નિષ્ણાંતોએ કહ્યું કે ચીનનું એરિયા-51 ભારત માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. ચીન શિનજિંયાંગના લોપ નૂરમાં ઝડપથી એક સિક્રેટ એરબેઝ વિકસાવી રહ્યું છે. આ એરબેઝ સંબંધિત માહિતી એટલી ગુપ્ત છે કે તેને ચીનનું ‘એરિયા-૫૧’ નામ અપાયું છે.
જો કે જાણકારી અનુસાર આ રહસ્યમય એરબેઝ ભારતના લેહ એરબેઝથી માત્ર 1300 કિ.મી. દૂર છે. તાજેતરમાં જ કોમર્શિયલ સેટેલાઈટ તસવીરોએ ચીન અત્યંત ઝડપથી આ એરબેઝનું વિસ્તરણ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ચીન 2016થી આ એરબેઝ વિકસાવી રહ્યું છે. ચીને ૨૦૨૦માં તેનું ટોપ સિક્રેટ સ્પેસ પ્લેન અહીં ઉતાર્યું હતું.
નિષ્ણાતોનું માનવું છે કે ચીન આ એરબેઝથી મિલિટરી સ્પેસ એક્ટિવિટી વધારવાનું આયોજન કરી રહ્યું છે. ચીન હવે અમેરિકા સામે સ્પેસ વોર માટે સ્પર્ધાની તૈયારી કરી રહ્યું હોવાનું પણ મનાય છે. અમેરિકાની એનજીઓ મીડિયા ઓર્ગેનાઈઝેશન એનપીઆરે મેક્સાર ટેક્નોલજીની સેટેલાઈટ તસવીરોના આધારે ચીનના આ સિક્રેટ એરબેઝ સંબંધિત માહિતીઓ શૅર કરી છે. આ તસવીરો પરથી જણાય છે કે ચીને વર્ષોથી વેરાન પડેલા આ એરબેઝને ફરીથી વિકસાવવાનું કામ શરૂ કર્યું છે. મોટા જહાજ અને સ્પેસશિપને સરળતાથી લેન્ડ કરી શકાય તેમ માટે આ બેઝની હવાઈ પટ્ટીને 4.8 કિ.મી. સુધી લાંબી કરાઈ છે.
વર્ષ 2020માં અનેક ઓબ્ઝર્વર્સે દાવો કર્યો હતો કે ચીને એક હાઈલી ક્લાસીફાઈડ સ્પેસ પ્લેનનું આ એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. જોકે, ચીનનું આ સ્પેસ પ્લેન કેવું દેખાય છે તે કોઈ જાણતું નથી. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના એક વરિષ્ઠ નિષ્ણાત અંકિત પાંડાએ જણાવ્યું કે મને લાગે છે કે આ ચીનની મિલિટરી સ્પેસ એક્ટિવિટી માટે એક મહત્વપૂર્ણ બેઝ છે, જેને ચીન હવે ઝડપથી વિકસાવી રહ્યું છે. સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ હાર્વર્ડ અને સ્મિથસોનિયનના એક ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે જણાવ્યું હતું કે આ એર સ્ટ્રીપ અવકાશમાં માણસોને મોકલવા માટે ઘણી મોટી છે.
અમેરિકાનો એક ગુપ્ત વિસ્તાર ‘એરિયા-51’ હકીકતમાં કહેવામાં આવે છે. એક માન્યતા મુજબ અમેરિકન સરકારે આ વિસ્તારમાં એલિયન્સ છુપાવી રાખ્યા છે. તેની હકીકત કોઈ જાણતું નથી. પરંતુ શરૂઆતમાં તો અમેરિકન સરકારે ‘એરિયા-51’ જેવો કોઈ વિસ્તાર હોવાનો જ ઈનકાર કરી દીધો હતો, પરંતુ પાછળથી તેનો સ્વીકાર કર્યો હતો. અન્ય એક માન્યતા મુજબ અહીં ઉડતી રકાબીનું પરીક્ષણ કરાયું હતું. અમેરિકાની સરકારે ‘એરિયા-51’ વિસ્તારમાં સામાન્ય માણસના જવા પર પ્રતિબંધ મૂકેલો છે.