અમદાવાદઃ શહેરના બોપલ અને ઘૂંમા વિસ્તારના લોકોને હવે જંત્રી મુજબ વધુ પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે. બોપલ-ઘુમા વિસ્તારને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવ્યા બાદ રહેવાસીઓના મિલકતોની આકારણી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્ષેત્રફળ મુજબ ટેક્સ લેવામાં આવશે. જેના કારણે મિલકતવેરાની રકમમાં બે થી ત્રણ ગણો વધારો થશે. ટેક્સની આકારણી જંત્રી મુજબ કરવામા આવી રહી છે. જેમાં ચાર ગ્રેડમાં વિસ્તારને વહેંચવામાં આવ્યો છે. બોપલ ઘુમાના નાગરિકો નગરપાલિકાને અત્યાર સુધી જે ટેક્સ ચૂકવતા હતા તેનો લગભગ બે ગણો ટેક્સ કોર્પોરેશનને ચૂકવવો પડશે.
અમદાવા મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બોપલ- ઘુમાના વિસ્તારને A, B, C અને D એમ ચાર ગ્રેડ આપવામાં આવ્યા છે. જે વિસ્તારમાં જંત્રી રૂ. 22 હજાર છે તે મિલ્કતોનો “A” ગ્રેડમાં, રૂ. 13 હજાર 500થી 22 હજાર સુધીની મિલ્કતોને “B” ગ્રેડ, રૂ. 6 હજાર 751થી 13 હજાર 500ની મિલકતોને “C” ગ્રેડ અને રૂ.6 હજાર 751 સુધીની જંત્રીવાળી મિલ્કતોનો “D” ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. “A” ગ્રેડની મિલ્કતો માટે 1.6 નો દર “B” ગ્રેડ માટે 1.1 ના દર “C” ગ્રેડ માટે 0.9 તથા “D” ગ્રેડની મિલ્કતો માટે 0.6 ના દર મુજબ ગણતરી કરવામાં આવશે. બોપલ ઘુમાનો મોટા ભાગનો વિસ્તારમાં B ગ્રેડમાં આવે છે. જ્યારે સાઉથ બોપલનો કેટલોક વિસ્તાર C ગ્રેડમાં આવે છે. જ્યારે બોપલ-ઘુમાની ગામતળની તમામ મિલકતોનો D ગ્રેડમાં સમાવેશ કરાયો છે. A ગ્રેડમાં એકપણ વિસ્તાર આવતો નથી. બોપલ નગરપાલિકા દ્વારા દર વર્ષે 8થી 9 કરોડ રૂપિયાની આકારણી કરવામાં આવી હતી. જેની સામે અંદાજે રૂ. 6 કરોડની આવક થતી હતી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંત્રી અને ક્ષેત્રફળ મુજબ આકારણી થશે. જેથી રૂ. 22 કરોડની જેટલી જંગી આવક થશે. અત્યાર સુધીમાં 40 હજાર મિલકતો પૈકી 18 હજાર 500થી વધુ મિલકતોની આકારણી પુરી થઈ છે બાકીની મિલકતોનો સર્વે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં બોપલ ઘુમાને રહેવાસીઓને ટેક્સના બિલ મોકલી દેવામાં આવશે.
સૂત્રએ ઉમેર્યુ હતું કે, બોપલ અને ઘુમા નગરપાલિકાની આકારણી માટે ત્રણ ટીમો બનાવી છે. એક ટીમમાં 10 લોકો 30 લોકોની ટીમ આકારણી કરી રહી છે. બોપલ- ઘુમા વિસ્તારમાં 40 હજાર મિલકતો છે. આ વિસ્તારમાં કાર્પેટ બેઝ આકારણી કરાઈ રહી છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આકારણીના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મિલકતનું માપ લેવામાં આવી રહ્યા છે, રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ છે, ભાડૂઆત છે કે પોતાની મિલકત છે, મિલકતના ઉપયોગનો આધાર પણ લેવાશે. મિલકતનું બાંધકામ વર્ષના પૂરાવાના આધારે નક્કી કરવામાં આવી રહ્યા છે અને ટેનામેન્ટ નંબર પાડવામાં આવશે. બોપલ ઘુમા વિસ્તારમાંથી અંદાજીત 18થી 20 કરોડના ટેક્સની આવક થશે.