ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહુધા ખાતે અંદાજિત રૂપિયા 21.47 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન વિકાસને વેગ આપે છે, વિકાસમાં નાણાંકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો ગુજરાતમાં છે. નીતિ આયોગના માપદંડોમાં નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. વિકાસની રાજનીતિના વિઝનરી લીડર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ આપેલી વિકાસની પરિભાષાને આત્મનિર્ભર ગુજરાતના માધ્યમથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા સરકાર પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં નાના-નાના ગામો હોય, શહેરો હોય કે વિસ્તારો હોય તમામ ક્ષેત્રો સુધી વિકાસ પહોંચ્યો છે. વિકાસના મજબૂત પાયા ઉપર ગુજરાત સર્વગ્રાહી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહે તે દિશામાં કાર્ય થઇ રહ્યું છે. રાજ્યમાં થયેલા છેલ્લા બે દાયકાના વિકાસને આલેખતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રસ્તા, વીજળી, પાણી, કૃષિ, શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. બે દાયકા પહેલા ગુજરાતમાં ધાન્ય પાકોનું ઉત્પાદન 23.48 લાખ મેટ્રિક ટન હતું જે આજે 83.25 લાખ મેટ્રિક ટને પહોંચ્યું છે. તેવી જ રીતે બાગાયતી પાકોનું ઉત્પાદન 62 લાખ મેટ્રિક ટનમાંથી આજે 250 લાખ મેટ્રિક ટન થયું છે. શિક્ષણમાં પણ બે દાયકા પહેલા ડ્રોપઆઉટ રેટ 37 ટકા હતો તે ઘટીને આજે બે થી ત્રણ ટકા થયો છે. ઔદ્યોગિક ઉત્પાદન 1.27 લાખ કરોડ હતું, જે આજે 16 લાખ કરોડ એ પહોંચ્યું છે. ગુજરાતમાં વિકાસની આ પરિભાષા રહી છે.
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં માત્ર બે દિવસમાં જ રૂપિયા 221 કરોડના કામોની સાથે 200 કરોડના કામોની જોગવાઈની જાહેરાત કરી છે, ખેડાના આંગણે આજે સુખના વિકાસનો સૂરજ ઉગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે, તેમ જણાવતા દેવુસિંહ ચૌહાણે ઉમેર્યું કે, આઈ.એન.એફ.ના રિપોર્ટ પ્રમાણે ભારત વિકસિત દેશોની સરખામણીમાં 10 વર્ષ પહેલા 11માં ક્રમે હતું જ્યારે આજે વડાપ્રધાનના માર્ગદર્શન નીચે ભારતે બ્રિટનને પણ પાછળ રાખી, સમગ્ર વિશ્વમાં ભારત પાંચમાં ક્રમની અર્થવ્યવસ્થા બન્યું છે. વિશ્વગુરુ બનવા તરફની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પણ દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે, આગામી 2047માં ભારત વર્ષ તેની આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે ત્યારે દેશની સંપૂર્ણ જન સંખ્યા ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલી હશે તેવો દ્રઢ નિર્ધાર પણ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો.
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે “સૌના સાથ, સૌના વિકાસ”ના મંત્રને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવી તેમના વિસ્તારમાં નિર્માણ પામનાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.