ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાનની આગાહી કરનારી ખાનગી એજન્સીના મત પ્રમાણે ગુજરાતમાં 15મી જુન સુધીમાં મેઘરાજાની પઘરામણી થઈ જશે. જ્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનની પેટર્ન બદલાણી છે. જેથી મેઘરાજાના વિધિવત આગમનમાં વિલંબ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર ગુજરાતમાં નહીં પણ દક્ષિણ ભારતમાં પણ પવનની પેટર્નમાં ફેરફાર થયો છે. એટલે કે,પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલુ બેસવાની કોઇ શક્યતા નથી, પણ રાજ્યમાં 20મી જુન આસપાસ મેઘરાજની પધરામણી થશે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે પણ ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમી પવન વચ્ચે રાજ્યના 3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો 39.0 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 15 દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. જો કે, રાજ્યમાં 20 જૂન બાદ ચોમાસુ સક્રિય થવાની વકી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે 5થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી. ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે, તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે, પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમે ગતિએ આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહિ, રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજોગો હાલ નથી.