- અંબાલાલ પટેલના કહેવા મુજબ 14મીથી 22 દરમિયાન માવઠુ પડી શકે છે,
- બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે,
- દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વિઝિબિલિટી ઘટી
અમદાવાદઃ કારતક મહિનાના પ્રારંભ સાથે વિધિવતરીતે શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જો કે હજુ પણ પંખા અને એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. એટલે હજુ પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં રાતના સમયે ઠંડીને ચમકારો અનુભવાઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં હવે આગામી સપ્તાહથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે. જ્યારે હવામાનની આગાહી કરીને જાણીતા બનેલા અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી તા. 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. તેથી ગુજરાતમાં વાવાઝોડાની પણ સંભાવના છે. આ ઉપરાંત 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે. વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધતા સુરત શહેરમાં ગાઢ ધુમ્મસ સર્જાયુ હતુ. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી વિઝિબિલિટી ઘટતા વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડકનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. દિવાળીના તહેવારને કારણે રાજ્યભરના પ્રદૂષણમાં પણ વધારો થયો છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી પ્રદૂષણના પાર્ટીકલ્સ જમીનની સ્તરતી નજીક રહેવાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં હવે આગામી સપ્તાહથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. સાતમીથી 14મી અને 19મીથી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. તો ડિસેમ્બર મહિનામાં ઠંડનું પ્રમાણ વધી શકે છે.