Site icon Revoi.in

મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રેક્ટર-ટ્રોલી હાઈવે પર ચાલી શકે નહીંઃ હરિયાણા હાઈકોર્ટ

Social Share

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સેંકડો ટ્રેક્ટર સાથે શંભુ બોર્ડર પર પડાવ નાંખી રહેલા વિરોધ પ્રદર્શનકારી ખેડૂતોને ફટકાર લગાવી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જી.એસ સંધાવાલિયા અને ન્યાયમૂર્તિ લપિતા બેનર્જીની બનેલી 2 ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે; દેખાવકારો જાહેર જીવનને ખલેલ પહોંચાડી શકે નહીં.

કોર્ટે કહ્યું કે, મોટર વ્હીકલ એક્ટ મુજબ હાઇવે પર ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરી શકાતો નથી. ખંડપીઠે પંજાબ સરકારને ખેડૂતોની આટલી મોટી બેઠકની મંજૂરી આપવા માટે પણ સવાલ કર્યો હતો. હાઈકોર્ટ પંચકુલાના રહેવાસી એડવોકેટ ઉદય પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.

અરજદારે રજુઆત કરી હતી કે, રસ્તાના અવરોધથી રહેવાસીઓને અસુવિધા થઈ રહી છે અને તે 13 ફેબ્રુઆરીથી એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો અને રાહદારીઓની અવરજવરમાં પણ અડચણરૂપ છે. દરમિયાન, પંજાબ અને હરિયાણા સરકારોએ સુનાવણી દરમિયાન જમીન પરની સ્થિતિ અંગે સ્ટેટસ રિપોર્ટ્સ રજૂ કર્યા હતા.