રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિસેમ્બર સુધીમાં 13 ફેકલ્ટીના વિષયોના નવા કોર્સ બનશે. તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિશે વર્કશોપ યોજાયા બાદ નવી શિક્ષણનીતિ લાગુ કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા આઠ દિવસથી યુનિવર્સિટીની જુદી જુદી 13 ફેકલ્ટીના 60થી વધુ બોર્ડની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે
આગામી ડિસેમ્બર-2021 સુધીમાં તમામ બોર્ડ દ્વારા નવો કોર્સ તૈયાર કરી દેવામાં આવશે અને જૂન 2022 સુધીમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દરેક બોર્ડ નવો કોર્સ એવી રીતે તૈયાર કરશે જેમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ હોય અને નેકના ગ્રેડમાં પણ ફાયદો થઇ શકે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય, રોજગારી મળી રહે અને મૂલ્યવર્ધિત શિક્ષણ મળી રહે તેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે. તાજેતરમાં નેક ઇન્સ્પેક્શન દરમિયાન શિક્ષણ મળ્યા બાદ વિદ્યાર્થીઓના આઉટપુટ મુદ્દે યુનિવર્સિટીને નેગેટિવ માર્ક મળ્યા હતા.
બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન ડૉ.ઈરોસ વાજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડૉ.સંજય મુખર્જી તથા વરિષ્ઠ અધ્યાપકો ડૉ.અનિલ લિંગર, ડૉ.કેતન પંડ્યા તથા ડૉ.નિલા પંડ્યા સહિતના ગેરહાજર રહેતા વિવાદ થયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી 13 ફેકલ્ટીના 60થી વધુ બોર્ડના સભ્યોએ રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને નેકના અનુસંધાને કોર્સ ઘડવા માટે પેટા સમિતિ રચી છે. નવો અભ્યાસક્રમ ઘડવામાં પેટા સમિતિમાં જે-તે વિષય નિષ્ણાત નિયુક્ત થશે. પેટા સમિતિ કોર્સ તૈયાર કરી બોર્ડમાં મોકલશે, બોર્ડમાંથી ફેકલ્ટીમાં, ત્યાંથી એકેડેમિક કાઉન્સિલમાં અને છેલ્લે સિન્ડિકેટમાં મુકાશે અને બહાલી આપવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને યુનિવર્સિટીના જે નવા કોર્સ ઘડવામાં આવશે તેમાં પુસ્તકિયા જ્ઞાન અને ગોખણ પટ્ટીવાળા શિક્ષણને બદલે વિદ્યાર્થીને વધુમાં વધુ પ્રેક્ટિકલ શિક્ષણ મળી રહે તેના પર વધુ પ્રાધાન્ય અપાશે. યુનિવર્સિટીમાંથી ભણીને વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિક બને, સારી રોજગારી મળે, નવસર્જન કરી શકે, સ્ટાર્ટઅપમાં આગળ વધે તે પ્રકારની થીમ આધારે કોર્સ બનાવાશે.