Site icon Revoi.in

ગુજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું રાજ્યપાલે કર્યું વિમાચન

Social Share

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન  મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ્’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતજીએ વિમોચન કર્યું હતું. પૂજ્ય ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી રેડિયોના માધ્યમથી પહોંચે એ માટે કાર્યરત થનારા ગુજરાત વિદ્યાપીઠનો ‘રેડિયો – વૈષ્ણવજન’ પણ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ લૉન્ચ કર્યો હતો.

ગાંધી સાહિત્ય મેળવવા ઉત્સુક વાચકોને ગાંધી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રવેશદ્વાર નજીક, આશ્રમ રોડ પર જ પુસ્તક ભંડાર બનાવવામાં આવ્યો છે. કુલાધિપતિ અને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ મંગલદીપ પ્રગટાવીને આ પુસ્તક ભંડારનો શુભારંભ કરાવ્યો હતો. મોરારજીભાઈ દેસાઈને અંજલિ આપવા ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. કુલાધિપતિ અને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી, કુલપતિ  ડૉ. હર્ષદ પટેલ, વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,  હસમુખ પટેલ,  દિલીપ ઠાકર અને અન્ય મહાનુભાવોએ  મોરારજીભાઈ દેસાઈને સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી.

આચાર્ય દેવવ્રતજીએ  મોરારજીભાઈ દેસાઈને અંજલિ આપતાં કહ્યું કે ગુજરાતના વલસાડ જિલ્લાના નાનકડા ગામ ભદેલીમાં જન્મીને, અંગ્રેજોના શાસનમાં સંઘર્ષ કરીને કલેકટરપદ સુધી પહોંચનારા  મોરારજીભાઈ દેસાઈ પૂજ્ય ગાંધીજીના સંપર્કમાં આવીને, કલેક્ટરપદ છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા હતા. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરનારા  મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંત્રી બન્યા. તેઓ સૌથી લાંબા સમય સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિપદે રહ્યા. તેઓ મૂલ્યનિષ્ઠ અને આદર્શ જીવન જીવ્યા. તેમણે કહ્યું કે, નાની-નાની વાતોથી જ વ્યક્તિ મહાન બને છે. નાના-નાના નિયમો અને સિદ્ધાંતો પરિવર્તનનું કારણ બને છે. પૂજ્ય ગાંધીજી અને  મોરારજીભાઈ દેસાઈએ દાખવેલા આદર્શો અને મૂલ્યોના માર્ગે ગુજરાત વિદ્યાપીઠને પ્રગતિના પંથે લઈ જઈએ, એ જ તેમને સાચી અંજલી કહેવાશે.

આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ  ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સ્વ.મોરારજીભાઈ દેસાઈની 129મી જન્મજયંતી નિમિતે ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહનું નામકરણ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ‘મોરારજી દેસાઈ મંડપમ’ કરવામાં આવ્યું છે તેનો ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે.