નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓમાં અપાશેઃ શાહ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ 9.54 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ચાર અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શાળા નંબર-2, નારણપુરા ગુજરાતી શાળા નંબર -6 ઘાટલોડિયા શાળા નંબર-2 અને થલતેજ શાળા નંબર-2નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરીને, ગાંધીનગર શાળા નંબર-2 ની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે. કુલ 22 જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે ચાર શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹ 9.54 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓનો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ 3200 જેટલા બાળકોને મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ છેલ્લા 20 વર્ષથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, લગભગ દરેક ક્ષેત્રે લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું છે. રાજ્યમાં કેટલાક વર્ષો પહેલા પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા હતો જે વર્તમાન રાજ્ય સરકારની શિક્ષણલક્ષી નીતિના કારણે ઘટીને 3 ટકાથી પણ નીચે પહોંચ્યો છે. પહેલા 100 માંથી 67 બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં એટલે કે 40 ટકા બાળકોને જ પ્રાથમિક શિક્ષણ મળતું હતું જે આજે 95 ટકાથી પણ વધારે સુધી પહોચ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાપિત સુદૃઢ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજનાં ગુજરાતનાં યુવાનોને ‘કર્ફ્યું’ એટલે શું એ જ ખબર નથી તેમજ રાજ્યમાં ક્યાંય કોઈ કોમી રમખાણો કે અજંપાની સ્થિતિ નથી. આજે રાજ્યની દીકરીઓ મુક્તમને ક્યાંય પણ કોઈપણ સમયે- ભય વગર હરીફરી શકે છે, જે રાજ્યની ઉત્તમ સુરક્ષા વ્યવસ્થાની સાબિતી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આજે રાજ્યનું દરેક બાળક આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે કદમ મિલાવી શકે તથા દરેક ક્ષેત્રે આગળ વધી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ આયામો અમલમાં મુકવામાં આવ્યા છે. અનુપમ(સ્માર્ટ) શાળા આવું જ એક સોપાન છે જે બાળકોને ભણતર ભાર રૂપ ન લાગે તે રીતે અને રમતાં-રમતાં બાળકો ભણી શકે તેવા વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સંકલ્પબદ્ધ છે.