Site icon Revoi.in

શાસ્ત્રો પ્રમાણે કારતકમાં દાન કરવું અતિફાયદાકારક, આ રીતે કરજો દાન

Social Share

કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુ પોતાની ચાર મહિનાની ઉંઘ પૂર્ણ કરે છે અને દેવઉઠી એકાદશીના દિવસે જાગે છે. આ સાથે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ કાર્ય ફરી શરૂ થાય છે, કારતક મહિનાને શાસ્ત્રોમાં પૂજાની દ્રષ્ટિએ સર્વોત્તમ માનવામાં આવે છે. આ મહિનામાં શુભ કાર્ય કરવાથી અનેકગણું પ્રાપ્ત થાય છે. અહીં જાણો કયા કામો આ મહિનામાં કરવા પુણ્યશાળી માનવામાં આવે છે.

એવું પણ કહેવાય છે કે આ મહિનામાં માતા લક્ષ્મી પૃથ્વીના દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે તે લોકોને દાન કરતા અને નારાયણની ભક્તિ કરતા જુએ છે, ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. આવા લોકોને ચોક્કસપણે માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જો તમે પણ કારતક મહિનામાં દેવી લક્ષ્મી અને નારાયણના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો, તો અહી બતાવેલા 4 કામ જરૂર કરો.

ગુજરાતી કેલેન્ડરનો પહેલો મહિનો કારતક છે. આ મહિનો 21 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યો છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કારતક મહિનાનું વિશેષ મહત્વ વર્ણવતા કહ્યું છે કે કારતક જેવો કોઈ મહિનો નથી, સત્યયુગ જેવો કોઈ યુગ નથી, વેદ જેવો કોઈ ગ્રંથ નથી અને ગંગા જેવું કોઈ તીર્થ નથી.

શાસ્ત્રોમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ કારતક મહિનામાં તુલસીની વિશેષ પૂજા કરવાનો નિયમ છે. આ જ મહિનામાં ભગવાન વિષ્ણુ સાથે તુલસીના લગ્ન પણ કરાવવામાં આવે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કારતક મહિનામાં સતત એક મહિના સુધી તુલસીની સામે દીપ દાન કરવાથી અપાર પુણ્ય પ્રાપ્તિ થાય છે.

આખુ વર્ષ દરમિયાન તમે ભલે ગમે ત્યારે ઉઠતા હોય અને સ્નાન વગેરે કરતા હોય, પરંતુ કારતક મહિનામાં આ આદત બદલો. આ મહિનામાં દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાની આદત બનાવી લો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરો તો તે ખૂબ જ સારું છે. જો તમે આવુ ન કરી શકો તો પછી ઘરના નળના પાણીમાં જ થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. કહેવાય છે કે આમ કરવાથી સૌભાગ્ય વધે છે.

કારતક મહિનામાં દીપ દાન કરવાથી ઘરમાંથી અંધકાર દૂર થાય છે. નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા ઘરમાં દરેક જગ્યાએ ફેલાય છે. તેથી આ મહિનામાં મંદિર, તીર્થ સ્થળ, તુલસી, પવિત્ર નદી અથવા વૃક્ષ વગેરે નીચે દીપ દાન જરૂર કરવું જોઈએ. આનાથી ઘરમાં ધનધાન્યની કમી રહેતી નથી.