Site icon Revoi.in

વૈદિક નિયમો અનુસાર થશે અયોધ્યાનો શહેરી વિકાસ, જે દુનિયાનું પ્રમુખ ધાર્મિક સ્થળ બનશે

Social Share

દિલ્લી: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને વેગ મળી રહ્યો છે. આ સાથે જ અયોધ્યાના વિકાસ માટેની તૈયારીઓએ પણ જોર પકડ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર નવી અયોધ્યા બનાવવાની યોજના તૈયાર કરી રહી છે. એટલે કે, રામ મંદિરના નિર્માણની સાથે આખા શહેરને પણ નવો દેખાવ આપવાની યોજના છે. મેગા અયોધ્યા વિકાસ યોજના હેઠળ નવા 1,200 એકર મોડેલનું નામ ‘ફ્યુચર સિટી’ આપવામાં આવ્યું છે. યુપી સરકારના આદેશ મુજબ ‘ભવિષ્યની અયોધ્યા’ ધાર્મિક અને પર્યટન પાસાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. જે આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભૂત સંગમ હશે.

સૂત્રોના જણાવ્યા મુજબ,અયોધ્યાનો વિકાસ એ રીતે કરવામાં આવશે કે, આ શહેર દુનિયાના મોટા ધાર્મિક શહેર તરીકે તેની ઓળખ બનાવશે. સરકારનું કહેવું છે કે, જેમ કેથોલિક લોકો માટે વેટિકન સીટી છે, તેવી જ રીતે હિન્દુઓ માટે અયોધ્યા હશે. અયોધ્યાનો વિકાસ વૈદિક સિદ્ધાંતોના આધારે વિકસાવવામાં આવશે. એટલે કે અયોધ્યાના વિકાસમાં વૈદિક રામાયણ અને વૈદિક વાસ્તુકલાનું પાલન કરવામાં આવશે.

આ વિકાસની યોજના 30 વર્ષ માટે તૈયાર કરવામાં આવશે, જેમાં શહેરની મુખ્ય વિરાસત જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રામ મંદિરના નિર્માણ દરમિયાન યાત્રાળુઓ માટે રિવરફ્રન્ટ અને પરિક્રમા માર્ગના વિકાસની સાથો-સાથ મનોરંજનની ગતિવિધિયો અને સુવિધાઓનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. જેમાં રામજનમભૂમિ સુધીના ચાલીને જવાના રસ્તામાં સુધાર, યાત્રાળુઓ માટે રોકાવાની જગ્યા, આસપાસની હરિયાળી,સામુદાયિક સ્થાન વગેરે સામેલ છે.

અયોધ્યા માટેની યોજના તૈયાર કરવા માટે એક સલાહકારની પસંદગી કરવામાં આવશે.પસંદ કરેલા સલાહકાર સાત મહિનાની અંદર વિકાસ યોજના તૈયાર કરશે. આ વિકાસ યોજનામાં શહેરમાં પ્રદર્શન જગ્યા, લાઇટિંગ વગેરેની પણ કાળજી લેવામાં આવશે. 2023 સુધીમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

-દેવાંશી