નિજ્જર કેસમાં વિવાદીત નિવેદન કરનાર PM ટ્રૂડો સામે કરીમા બલોચ કેસમાં પાકિસ્તાનને બચાવવાનો આક્ષેપ
નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે, ત્યારથી તે પોતાના દેશ કેનેડામાં જ ચારેય તરફથી ઘેરાઈ રહ્યાં છે. ટ્રુડોના આરોપો પર ભારતે વળતો જવાબ આવ્યો છે, હવે કેનેડાના નેતાઓએ પણ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું છે. નિજ્જરની હત્યા પર ભારત પર સવાલ ઉઠાવનાર ટ્રુડોને હવે સવાલો પૂછવામાં આવી રહ્યા છે. બલૂચ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ ઓફ કેનેડા (બીએચઆરસી) એ કેનેડાના પીએમ પર આકરા પ્રહાર કરીને કહ્યું કે તેઓ નિજ્જરની હત્યા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કેનેડામાં સ્થાયી બલૂચ માનવાધિકાર કાર્યકર્તા કરીમા બલોચની 3 વર્ષ પહેલા થયેલી કથિત હત્યા પર આજ સુધી એક શબ્દ બોલ્યો નથી. કાઉન્સિલે તેમના મૌન પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમણે કરીમાના અપહરણ અને કથિત હત્યામાં કોઈ પગલાં પણ લીધા ન હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કરિમા બલોચએ પાકિસ્તાનની સરકાર અને સેનાની સામે મોરચો ખોલ્યો હતો. કરીમાએ ઘણી વખત પાકિસ્તાન સરકારને બેનકાબ કરવાનું કામ પણ કર્યું હતું. કરીમા બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માંગતી હતી અને બલૂચ ચળવળનો મુખ્ય ચહેરો મનાતી હતી. કરીમા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI વિરુદ્ધ પણ હતી અને તેના કારણે તે આઈએસઆઈના નિશાના પર હતી. કરીમા આઈએસઆઈથી બચીને કેનેડા ગઈ હતી, પરંતુ અહીં પણ તેના ઘણા સંબંધીઓ મારી નાખવામાં આવ્યા હતા. કરીમાને ISI તરફથી ધમકીઓ મળી રહી હતી. દરમિયાન, 2020 માં ટોરોન્ટોમાં કરીમાનો મૃતદેહ મળ્યો હતો. કરીમાના અપમૃત્યુ પાછળ પાકિસ્તાનની સંડોવણી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો, પરંતુ કેનેડા સરકારે પરિવારજનોને કોઈ મદદ કરી ન હતી, એટલું જ નહીં પોલીસે સમગ્ર મામલાને આપઘાત ખપાવીને બંધ કરી દીધાનું જાણવા મળે છે. BHRCએ હવે ટ્રુડોને પત્ર લખીને પૂછ્યું છે કે કરીમા કેસમાં પાકિસ્તાની એજન્સીઓ સંડોવાયેલી હોવાનું સ્પષ્ટ હતું ત્યારે કોઈ પગલાં કેમ લેવામાં આવ્યાં નથી. BHRCએ કહ્યું કે નિજ્જર કેસમાં સીધી પ્રેસ કોન્ફરન્સ થાય છે અને કરીમા કેસમાં પાકિસ્તાનને કોઈ સવાલ પૂછવામાં આવતા નથી.