નવી દિલ્હીઃ સલમાન ખાનના મુંબઈના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 14 એપ્રિલે થયેલા ફાયરિંગ કેસની તપાસમાં પોલીસની તપાસ તેજ બની છે. બીજી તરફ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન એક આરોપીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. આજે બુધવારે અનુજ થાપન નામના આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસનું કહેવું છે કે થાપનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સલમાન ખાનના ઘર પાસે થયેલા ગોળીબારના કેસમાં વિકી ગુપ્તા (ઉ.વ. 24) અને સાગર પાલ (ઉ.વ. 21) સિવાય સોનુ કુમાર ચંદર બિશ્નોઈ (ઉ.વ. 37) અને અનુજ થાપનને આરોપી બનાવ્યાં છે. પોલીસે વિક્કી અને સાગરને ગુજરાતના કચ્છ તથા અનુજ થાપન તથા સોનુ કુમાર ચંદર બિશ્નોઈની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ગત શનિવારે ગોળીબાર મામલે કથિત શૂટર વિક્કી ગુપ્તા અને સાગર પાલની સાથે આ મામલે હથિયારો પુરા પાડવા મુદ્દે સોનુ કુમાર ચંદર બિશ્નોઈ, અનુજ થાપન અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તથા વિદેશમાં બેઠેલા અનમોલ બિશ્નોઈ ઉપર મકોકા હેઠળ ગુનો નોંધ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ અને તેનો ભાઈ અનમોલ બિશ્નોર હાલ આ કેસમાં વોન્ટેડ છે. ગત સોમવારે (29 એપ્રિલ) કોર્ટે વિકી ગુપ્તા, સાગર પાલ અને અનુજ થપનને 8 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આજે બુધવારે અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં અનુજ થપન પર ગોળીબાર કરનારા આરોપીઓને હથિયાર પૂરા પાડવાનો આરોપ હતો. આ સિવાય સોનુ કુમાર ચંદર બિશ્નોઈ (37) પર પણ હથિયાર સપ્લાય કરવાનો આરોપ છે.