ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી હાજી બિલાલનું મોત
અમદાવાદઃ દેશમાં ખળભળાટ મચાવનારા ગોધરા હત્યાકાંડના આરોપી હાજી બિલાલનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. હાજી ચાર વર્ષથી બિમાર હતો અને છેલ્લા કેટલાક હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. દરમિયાન તેનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા હત્યાકાંડમાં ઝડપાયેલા આરોપી હાજી બિલાલને કોર્ટે મોતની સજા ફરમાવી હતી. અદાલતે પુરાવાઓને ધ્યાનમાં રાખીને હાજી બિલાલ સહિત 11 આરોપીઓને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજા ફરમાવી હતી. આ ઉપરાંત અન્ય 20 આરોપીઓને આજીવન કેદની સજાનો આદેશ થયો હતો. કોર્ટના ચુકાદાને આરોપીઓએ કોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણીના અંતે હાઈકોર્ટે આરોપીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. હાજી બિબાલ વડોદરાની જેલમાં સજા ભોગવતો હતો. બીજી તરફ છેલ્લા ચાર વર્ષથી બીમારીનો સામનો કરતો હતો. દરમિયાન તેની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
22 નવેમ્બરથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લેતા બીમાર હાજી બિલાલને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યો હતો. દરમિયાન તેને અંતિમ શ્વાસ લીધો હતો. જેથી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ પીએમ બાદ હાજીના મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.