- મમતા બેનર્જી સરકારે વિધાનસભામાં રજુ કર્યું વિધાયક
- ભાજપાએ સરકારના આ બિલને આપ્યું સમર્થન
કોલકાતાઃ મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર બાદ તેની હત્યા કરવાના ચકચારી કેસના પગલે સમગ્ર દેશના તબીબોમાં રોષ ફેલાયો છે, તેમજ આરોપી સામે આકરી કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં મહિલાઓની સુરક્ષાને લઈને એક વિધેયક પાસ કર્યું છે. જેમાં દુષ્કર્મ કેસના આરોપીઓને ફાંસીની સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ટીએમસી સરકારે વિધાનસભામાં અપરાજિતા મહિલા અને બાળ વિધેયક રજૂ કર્યું છે. આ વિધેયક અનુસાર બળાત્કાર પીડિતાના મોત કેસમાં આરોપીને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. હાલના કાયદામાં ફેરફાર બાદ આ વિધેયક રજૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
કોલકાતામાં મહિલા તબીબની હત્યા કેસને લઈને તાજેતરમાં જ મમતા બેનર્જીએ દૂષ્કર્મને લઈને આકરો કાયદો લાવવાની જાહેરાત કરી હતી. તેમજ આ માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો હતો. મમતા બેનર્જીએ તે વખતે કહ્યું હતું કે, પીડિતાને ઝડપી ન્યાય મળવો જોઈએ, બીજી તરફ ભાજપાએ પણ વિધાનસભામાં રજૂ કરાયેલા વિધેયકને લઈને પોતાની સમહતી વ્યક્ત કરી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ થયેલા અપરાજિત મહિલા અને બાળ વિધાયક બિલમાં 3 મુખ્ય મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દૂષ્કર્મ કેસના આરોપીઓને સજાનો ઉલ્લેખ છે. કોઈ મહિલા ઉપર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવે તો આવા બનાવમાં આરોપીને ફાંસીની સજાની જોગવાઈ કરાઈ છે. જો કોઈ મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવે તો આવા બનાવમાં આરોપીને આજીવન કારાવાસની સજાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા અથવા મોતની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભામાં રજૂ કરાયેલુ વિધેયક રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. રાજ્યપાલ દ્વારા બિલને મંજુરી મળ્યા બાદ તે કાયદામાં ફેરવાશે. દરમિયાન ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ માંગણી કરી છે કે, પશ્ચિમ બંગાળ સરકારની જેમ જ કેન્દ્ર સરકાર પણ દુષ્કર્મના કેસમાં આકરો કાયદો બનાવે તેને તેને આગામી સત્રમાં રજુ કરે.