Site icon Revoi.in

ડીસામાં લૂંટ કેસના આરોપીઓ પકડાયા, પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો

Social Share

ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં થોડા દિવસ પહેલા રિવાલ્વરની અણિએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 46 લાખની લૂંટ થઈ હતી. આ લૂંટનો કેસ પોલીસે ગણતરીના દિવસમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટ મામલે પોલીસે સાત શખસને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ લૂંટના ગુનાને અંજામ આપવા માટે આંગડિયા પેઢીના કર્મચારીઓની છેલ્લા છ મહિનાથી રેકી કરતા હતા. ત્યાર બાદ જેલમાં બંધ એક આરોપીની મદદથી મધ્યપ્રદેશથી તમંચાની ખરીદી કરી લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટના બાદ બનાસકાંઠા પોલીસે આસપાસના વિસ્તારોના 250 સીસીટીવી ફંફોળી આરોપી સુધી પહોંચી હતી. આરોપીઓને દબોચી લીધા બાદ લૂંટ કેસના સાતેય આરોપીઓને ડીસા લવાતા પોલીસે તમામ લૂંટારૂ શખસોનો વરઘોડો કાઢ્યો હતો. લોકો આરોપીઓને ઓળખી શકે અને ભય દુર થાય તે માટે આરોપીઓના વિસ્તારમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

ડીસામાં આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટ કરનાર લૂંટારાઓને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધા હતા. એટલું જ નહિ આ લૂંટારાઓ રીઢા ગુનેગાર હોઇ લોકોમાં તેઓનો ખોફ દૂર કરવા ડીસામાં પોલીસ દ્વારા જાહેરમાં તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.  ડીસામાં પાંચેક દિવસ અગાઉ એચ.એમ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા 46 લાખ ઉપરાંતની રકમ ભરેલો થયેલો બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. જે બાબતે આંગડિયા પેઢીના કર્મચારી નિકુલ પંચાલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આ કેસમાં સતત પાંચ દિવસ સુધી અઢીસોથી વધુ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન સર્વિલન્સની મદદથી તેમજ રીઢા ગુનેગારોની પૂછપરછના આધારે પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી.

જે અંગે જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા દ્વારા પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ તમામ આરોપીઓને ડીસા ખાતે લવાયા હતા. પોલીસ દ્વારા લોકોમાં ગુનેગારોનો ખોફ દૂર થાય તે હેતુથી લૂંટ થયેલા વિસ્તાર લાલ ચાલી સહિત આરોપીઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તાર તેરમીનાળા, બેકરી કૂવા, જૂના બસ સ્ટેશન સહિત ફુવારા વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢી ફેરવવામાં આવ્યા હતા. પોલીસે તેઓનો જાહેરમાં વરઘોડો કાઢી લોકોને મેસેજ આપ્યો હતો કે, આવા તત્વોથી લોકોએ ભય રાખવાની જરૂર નથી.