નીની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર અચિંતની કોમનવેલ્થ ગેમ્સ સુધીની સફર સરળ ન હતી
નવી દિલ્હીઃ અચિંત શિયુલી ભારતનો ત્રીજો વેઇટલિફ્ટર છે, જેણે કોમનવેલ્થ ગેમ્સમાં તિરંગો લહેરાવ્યો હતો. દેશ માટે પોતાના દમ પર ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની ગોલ્ડન જીત માટે 20 વર્ષના શ્યૂલીએ 313 કિલો વજન ઉપાડ્યું હતું. આ કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 73 કિગ્રા વજન વર્ગમાં બનેલો નવો રેકોર્ડ છે.
પશ્ચિમ બંગાળના હાવડામાં જન્મેલા અચિંત શ્યૂલી માટે વેઈટલિફ્ટિંગના શિખર પર પહોંચવું ક્યારેય આસાન નહોતું. પરંતુ તેણે આ લોખંડ ઉપાડવાની રમતમાં લોખંડ જેવી જ ઈચ્છા શક્તિ બતાવી હતી. તેમના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવવા હતા. જો કે, અંચિતની ઉંમર 12 વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું હતું. જેથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમજ પિતાના અવસાન બાદ પરિવાર પર આજીવિકાનું સંકટ આવી ગયું હતું.
અચિંતએ તેની વેઇટલિફ્ટિંગ કારકિર્દીની શરૂઆત તેના પિતાની હયાતીમાં કર્યું હતું. અચિંત સામે હવે બેવડો પડકાર હતો. પરિવારને આર્થિક મદદ કરવાની સાથે વેઇટલિફ્ટિંગની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ખેલાડી માતા અને ભાઈ સાથે મળીને દરજીકામમાં મદદ કરતો હતો. અનેક આંફતો છતા અંચિતે વેઈટલિફ્ટીંગની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી અને તેનું પરિણામ પણ મળવા લાગ્યું હતું. તેણે 2018 યુથ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 2021માં તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નોંધાઈ છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 313 કિલો વજન ઉઠાવીને ભારતીયોનું ગૌરવ વધાર્યું છે.