રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ ભીમાણી ઘણા સમયથી વિવાદોમાં ઘેરાતા રહ્યા છે. અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોએ વિવાદ ઊભો કર્યો છે. યુનિમાં ભાજપના સિન્ડિકેટ મેમ્બરો, કેટલાક પ્રાધ્યાપકો, અને વહિવટકર્તાઓ વચ્ચે જ વૈમનસ્ય ચાલી રહ્યું છે. તેથી એક બાદ એક નવા વિવાદો સામે આવ્યાં જ કરે છે. જેમાં કોલેજમાં ચોરી, ભરતીમાં ભ્રષ્ટાચાર સહિત અનેક વિવાદોના પડઘા પડ્યાં છે. જેને કારણે કાર્યકારી કુલપતિની વિદાય હવે નક્કી માનવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદોનું પર્યાય બની ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂથના સમર્થકોને પદ પરથી દૂર કરવા ફેબ્રુઆરી 2022માં ડો. ગિરીશ ભીમાણીને ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો. અલબત્ત ડો.ભીમાણી પણ ડેમેજ કંટ્રોલ કરવામાં અસફળ રહેતા તેમના કાર્યકાળમાં પણ વિવાદોની હારમાળા સર્જાતા હવે તેમને પણ તાત્કાલિક ઇન્ચાર્જ કુલપતિ પદ પરથી દૂર કરી અન્યને ઇન્ચાર્જ કુલપતિ તરીકે જવાબદારી સોંપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને તે માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે ગુજરાત સરકાર નવા નામો શોધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આ પદ માટે ત્રણ સિનિયર નામો મંગાવી લેવાયા છે. આમ વિવાદો વચ્ચે રહેલી સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ભીમાણીને હટાવવા માટે ભાજપની એક લોબી સક્રિય બની છે અને આ અંગે રાજય સરકારમાં થયેલી ફરિયાદો બાદ હવે યુનિ.ના કાર્યકારી કુલપતિ પદેથી ગીરીશ ભીમાણીને દુર કરાશે તે નક્કી હોવાનું કહેવાય છે. લાંબા સમયથી વિવાદોમાં સપડાયેલી ઈન્ચાર્જ કૂલપતિના મુદ્દે સરકાર હવે કડક પગલાં લેવાના મુડમાં છે. જેને કારણે ઈન્ચાર્જ કુલપતિ ભીમાણીને ઘરભેગા કરાય તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન જામનગરના નાધેડીની સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજનું પરીક્ષા ચોરી કૌભાંડ ખુલતા ઉચ્ચ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંસ્થામાં ટ્રસ્ટી પદે કાર્યકારી કુલપતિ ડો.ભીમાણી હોવાનું ખુલ્યુ હતું. પરંતુ ત્યારબાદ આ કોલેજની વેબસાઇટ પરથી કોલેજના ટ્રસ્ટીઓમાંથી ભીમાણીનું નામ એકાએક હટાવી લેવામાં આવ્યું હતું. જામનગરના નાધેડીની આ સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજનું પરીક્ષા ચોરી કૌભાંડ ખુલતા રાજય સરકાર દ્વારા પણ તાબડતોબ યુનિવર્સિટી પાસેથી રીપોર્ટ મંગાવાયા છે. ઉપરાંત તાજેતરમાં યુનિ.ના વિવિધ ભવનોના અધ્યાપકોની થયેલી ભરતીમાં પણ ગેરરીતિ અને લાગવગ શાહી આચરાયાનું ખુલતા સિન્ડીકેટમાં પણ આ મામલે વિરોધ ઉઠયા બાદ રાજપ સરકારને અહેવાલ મોકલી આખરી નિર્ણય રાજય સરકાર પર છોડવામાં આવ્યો હતો.