અમદાવાદમાં RTE હેઠળ ખોટીરીતે પોતાના બાળકોને પ્રવેશ અપાવનારા 135 વાલીઓ સામે કાર્યવાહી
અમદાવાદ: શહેરમાં ગરીબ પરિવારોના બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે આરટીઈના કાયદાનો કેટલાક વાલીઓ ગેરલાભ ઉઠાવીને પોતાના બાળકોને સારી સ્કૂલોમાં પ્રવેશ અપાવી દેતા હોય છે. અમદાવાદમાં 135 વાલીઓ બોગસ દસ્તાવેજના આધારે પ્રવેશ લેવા જતાં ભરાયા છે. જેને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવા વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ રદ કરી દેવાયા છે. આ વાલીઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં નિયમ કે સુચના નંબર 5 છે તેનો ભંગ કર્યો હોવાનું જણાઈ આવતા તેમના બાળકોના પ્રવેશ રીજેક્ટ કરાયા છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચુક્યો છે અને હવે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ સ્કુટીની દરમિયાન 135 વાલીઓએ પોતાના બાળકનું ખોટી રીતે એડમીશન લીધું હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જેમાં ગત વર્ષે ધોરણ 1માં કે ધોરણ 2માં બાળક અભ્યાસ કરતું હોય અને તે જ બાળકનું ફરી આરટીઈ અંતર્ગત પ્રવેશ લેવા જતાં 135 વાલીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં 10,748 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 9 ,622 બાળકોને પ્રવેશ આપી દેવાયો છે. જ્યારે 135 બાળકોનો પ્રવેશ રદ કરાયો છે. તેનું મુળ કારણ એ જ છે કે, તેઓએ ગત વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ ઓલરેડી લઈ લીધો હતો જેથી તેઓનો આધાર ડાયસ નંબર ઓલરેડી જનરેટ થઈ ગયો હોય અને તે આધાર ડાયસ ફરી જનરેટ થઈ શકે નહિ અને જેવા તેઓ આરટીઈ હેઠળ પ્રવેશ લેવા જે તે શાળામાં ગયા હોય ત્યારે શાળા પહેલા યુ ડાયસ પર તેઓએ અગાઉ પ્રવેશ લીધો નથી તે ચેક કરે છે, તેવા 135 વિદ્યાર્થીઓના અગાઉ એડમીશન ધોરણ 1માં થઈ ગયા હોવાનું જણાઈ આવતા તેઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આરટીઈ માટે પ્રવેશના જે ફોર્મ ભરાયા હતા.તેમાં સુચના નંબર પાંચમાં પહેલાથી જ જણાવાયું હતું કે વાલીઓએ પોતાના બાળકનો અગાઉ કોઈ શાળામાં ધોરણ 1 કે 2માં પ્રવેશ લીધો ન હોવો જોઈએ. આમ હાલ પણ જિલ્લા શિક્ષાધિકારી દ્વારા આધાર ડાયસ કોડના આધારે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ આ પ્રકારે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.