પ્રાંતિજમાં હત્યાના કેસમાં અસામાજીક તત્વો બુલડોઝરથી કાર્યવાહી, ગેરકાયદે બાંધકામ દુર કરાયું
અમદાવાદઃ ગુજરાતમાં પણ હવે ભાજપા સરકારે તોફાની તત્વો સામે ઉત્તરપ્રદેશની જેમ બુલ્ડોઝરથી કાર્યવાહી શરુ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો ત્યારે તોફાની તત્વોએ યુવાન ઉપર મારક હથિયારો વડે હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવમાં 30 વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી. દરમિયાન આજે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ તોફાનીતત્વોના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તોફાનીતત્વોના ગેરકાયદે બાંધકામને દુર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી તમામ ગેરકાયદે બાંધકામને દુર કરવામાં આવ્યું હતું. તંત્રની કામગીરીને પગલે અસામાજીક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે. બીજી તરફ પથ્થરમારો અને હત્યાના ગુનામાં વોન્ડેટ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી વધારે તેજ બનાવવામાં આવી છે.