Site icon Revoi.in

અમદાવાદ જિલ્લામાં પ્રેક્ટિસ કરતાં ડીગ્રી વિનાના બોગસ તબીબો સામે તવાઈઃ 8 મહિનામાં 22 પકડાયાં

Social Share

અમદાવાદ:  રાજ્યભરમાં પોલીસ દ્વારા બોગસ ડૉક્ટરો સામે એક ઝૂંબેશ ચલાવવામાં આવી હતી જેમાં ડીગ્રી વગર એલોપેથિકની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પોલીસે એક નવો જ રિકોર્ડ બનાવી દીધો છે. પોલીસે વર્ષની શરૂઆતથી અત્યારસુધી આવા 22 બોગસ તબીબોની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે ડિગ્રી વગર કે માન્યતા વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબોને છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં પણ આ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી ચાલુ વર્ષે ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગલ તબીબો સામે અલગ અલગ કેસ કરવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ ગ્રામ્ય એસઓજી એ વધુ એક બોગસ તબીબની ધરપકડ કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં આરોપી કોઠ પોલીસ સ્ટેશન  વિસ્તારમાં વગર ડીગ્રીએ પ્રેક્ટિસ કરતો હતો. બાતમીને આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી બોગસ તબીબ મૂળ બંગાળનો રહેવાસી છે અને ભાડે મકાન રાખી તેમાં એલોપેથિક પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આવી બાતમીને આધારે એસઓજી એ કાર્યવાહી કરી હતી. સાથે જ બોગસ તબીબ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. એસઓજી એ આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજયના પોલીસ વડાએ થોડા સમય પહેલા રાજ્યભરમાં ખોટી રીતે અને ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. તેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી. મહત્ત્વનું છે કે છેલ્લા વર્ષો દરમિયાન બોગસ તબીબો સામે કાર્યવાહી થતી હતી પરંતુ આવા બહુ ઓછા કેસ સામે આવતા હતા.  ડીજીપીના આદેશ બાદ ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2021માં અમદાવાદ ગ્રામ્ય પોલીસે અત્યારસુધી આવા કુલ 22 કેસ કરી 22  બોગસ તબીબોની ધરપકડ કરી હતી.