આતંકવાદ સામે એકશનઃ કેરળમાં પ્રતિબંધિત PFI ના 56 સ્થળો ઉપર NIAના સાગમટે દરોડા
બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે (ગુરુવારે) વહેલી સવારે કેરળમાં એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના બીજા નંબરના નેતાઓને નિશાન બનાવીને પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 56 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીએફઆઈ સંગઠનને કોઈ અન્ય નામ સાથે ફરીથી જોડવાની તેમના નેતાઓની યોજનાને ધ્યાનમાં રાખીને દરોડા પાડવામાં આવ્યા છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, દરોડા સવારે 4 વાગ્યાની આસપાસ શરૂ થયા હતા. એર્નાકુલમમાં પ્રતિબંધિત PFI નેતાઓ સાથે જોડાયેલા આઠ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, જ્યારે તિરુવનંતપુરમમાં છ જગ્યાઓ NIAના રડાર પર છે.
PFI ની રચના કેરળમાં 2006 માં કરવામાં આવી હતી અને તેણે 2009 માં એક રાજકીય મોરચો – સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા – પણ બનાવ્યો હતો. કેરળમાં સ્થપાયેલ આ કટ્ટરપંથી સંગઠન, જેણે બાદમાં દેશના જુદા જુદા ભાગોમાં પોતાનો દબદબો ફેલાવ્યો હતો, તેના પર કેન્દ્ર સરકારે આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિબંધ મૂક્યો હતો.