કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી, દોઢ મહિનામાં 21 આતંકી ઠાર મરાયાં
નવી દિલ્હીઃ સેના સતત સરહદ પારના આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર આકરી કાર્યવાહી કરી હતી. આ સમયગાળામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, બે મહિનામાં અનેક આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, અને સેનાએ પોતાની શૈલીમાં ઘુસખોરોને જવાબ આપ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષના પ્રથમ પાંચ મહિનામાં સેના સાથેની અથડામણમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, જાન્યુઆરીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. ફેબ્રુઆરીમાં ત્રણ, માર્ચમાં એક અને એપ્રિલમાં કોઈ આતંકવાદી મરાયા ન હતા. જો કે, મે મહિનામાં છ આતંકીઓના મોત સાથે ગ્રાફ વધવા લાગ્યો હતો અને જૂનમાં 13 આતંકીઓ માર્યા ગયા હતા. 20મી જુલાઈ સુધી આઠ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ખીણમાં એક સુરક્ષા અધિકારીએ કહ્યું હતું કે, આ વલણ આશ્ચર્યજનક નથી કારણ કે સામાન્ય રીતે શિયાળાના દરમિયાન બંધ થવાને કારણે ઘૂસણખોરી ઓછી થઈ જાય છે. જેમ જેમ બરફ પીગળી રહ્યો છે તેમ તેમ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવાના પ્રયાસો વધી રહ્યા છે.
આ વર્ષની 1 જાન્યુઆરીથી 20 જુલાઈની વચ્ચે અને 2022ના સમાન સમયગાળા દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં 73%નો ઘટાડો થયો છે. સુરક્ષા નિષ્ણાતોએ આ વલણને આતંકવાદી પ્રવૃત્તિ પર અંકુશ અને સ્થાનિક ભરતીમાં ઘટાડા માટે જવાબદાર ગણાવ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 1 જાન્યુઆરીથી 20 જુલાઈ વચ્ચે 35 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 131 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જાન્યુઆરી-જુલાઈ દરમિયાન સ્થાનિક આતંકવાદીઓના મૃત્યુ 95 થી ઘટીને 2022 માં સમાન સમયગાળા દરમિયાન આઠ થઈ ગયા. તુલનાત્મક સમયગાળા દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા વિદેશી આતંકવાદીઓની સંખ્યા 36 થી ઘટીને 27 થઈ ગઈ છે.
માર્યા ગયેલા સ્થાનિક આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો હાલમાં J&Kમાં કાર્યરત કુલ આતંકવાદીઓની ટકાવારીમાં થયેલા ઘટાડા સાથે મેળ ખાય છે. 20 જુલાઈ સુધીમાં, 71 વિદેશી આતંકવાદીઓ અને 38 સ્થાનિકો સહિત 109 આતંકવાદીઓ સક્રિય હોવાના અહેવાલ હતા.