• એક સર્વેમાં 80 ટકા ભારતીયોએ પોતાનો મત વ્યક્ત કર્યો
• 90 ટકા લોકો પ્રકૃતિની વર્તમાન સ્થિતિથી ચિંતિત
નવી દિલ્હીઃ પર્યાવરણને થતા નુકશાનની અસર હવે ક્લાઈમેન્ટ ચેન્જના રૂપમાં દેખાઈ રહી છે. આ જ કારણ છે કે હવે લોકો ચિંતિત બની રહ્યા છે. દરમિયાન તાજેતરના એક સર્વેમાં બહાર આવ્યું છે કે 80 ટકા ભારતીયો માને છે કે પર્યાવરણને ગંભીર નુકશાન પહોંચાડનારા લોકો અથવા જૂથો સામે અપરાધિક કાર્યવાહી થવી જોઈએ. સર્વેમાં સામે આવ્યું છે કે દર પાંચમાંથી ત્રણ લોકો માને છે કે સરકાર પર્યાવરણને બચાવવા માટે પૂરતું કામ કરી રહી છે.
90 ટકા લોકો પ્રકૃતિની વર્તમાન સ્થિતિથી ચિંતિત છે. સર્વે અનુસાર, 73 ટકા લોકોને લાગે છે કે આપણું પર્યાવરણ હવે એવા તબક્કામાં પહોંચી ગયું છે જ્યાં પરિસ્થિતિને સંભાળવામાં નહીં આવે તો આપણા વરસાદી જંગલો અને ગ્લેશિયર્સમાં આવા ફેરફારો શરૂ થઈ શકે છે, જે અટકશે નહીં. 57 ટકા લોકો માને છે કે નવી ટેક્નોલોજી પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે અને લોકોની જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવાની જરૂર રહેશે નહીં. 54 ટકા લોકો એવા પણ છે જેમને લાગે છે કે પર્યાવરણને લઈને કરવામાં આવતા દાવાઓ ચઢાવીને પેશ કરવામાં આવે છે અને પરિસ્થિતિ એટલી ખરાબ નથી.
પાંચમાંથી લગભગ ચાર ભારતીયો માને છે કે માનવ સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રકૃતિ સાથે જોડાયેલી છે. 77 ટકા લોકોએ કહ્યું કે પ્રકૃતિ પહેલાથી જ એટલી હદે ક્ષતિગ્રસ્ત છે કે તે લાંબા ગાળે માનવ જરૂરિયાતોને પૂરી કરી શકતી નથી.
સર્વેમાં 18 G20 દેશો – આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. અને બિન-G20 દેશો – ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, કેન્યા અને સ્વીડન – માંથી 18 થી 75 વર્ષની વયના ચાર 1,000 લોકોએ ભાગ લીધો હતો.
તાજેતરમાં, બેલ્જિયમમાં પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવાને ફેડરલ અપરાધ તરીકે ધ્યાનમાં લેવા માટે કાનૂની જોગવાઈ કરવામાં આવી છે. ચિલી અને ફ્રાન્સમાં પણ સમાન કાયદા ઘડવામાં આવ્યા છે. બ્રાઝિલ, મેક્સિકો, ઇટાલી, નેધરલેન્ડ, પેરુ અને સ્કોટલેન્ડમાં સમાન કાયદા ઘડવાની તૈયારીઓ ચાલી રહી છે. તેની વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો છે.